કોલકતાઃ પશ્વિમ બંગાળના વીરભૂમ જિલ્લામાં એક વિચિત્ર કહી શકાય તેવી ઘટનામાં વયસ્ક પરિણીતાને આયુષ્યના ત્રણ દાયકા એક સ્ત્રી તરીકે વીતાવી લીધા બાદ જાણવા મળ્યું છે કે એ તો પુરુષ છે! વાત એમ છે કે ૩૦ વર્ષીય વિવાહિત મહિલાને પેટના નીચલા ભાગમાં દુખાવો ઉપડ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તપાસ કરતાં તબીબો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ડોક્ટરોએ તપાસ બાદ કહ્યું કે મહિલા વાસ્તવમાં પુરુષ છે અને તેના શુક્રપિંડમાં કેન્સર છે.
આ મહિલા છેલ્લા નવ વર્ષથી વિવાહિત છે. કેટલાક મહિના પહેલાં પેટમાં સતત દુખાવાની ફરિયાદ લઇને તે શહેરની નેતાજી સુભાષચંદ્ર બોઝ હોસ્પિટલમાં ગઇ હતી. અહીં ડો. અનુપમ દત્તા અને ડો. સૌમન દાસે મહિલાની તપાસ કરી હતી. જેમાં એ હકીકત જાણવા મળી કે આ મહિલા હકીકતમાં પુરુષ છે.
હોસ્પિટલનાં ડો. અનુપમ દત્તાએ કહ્યું કે દેખાવમાં એ મહિલા જ છે. અવાજ, સ્તન, સામાન્ય જનનાંગ વગેરે બધું જ સ્ત્રીનું છે. જોકે આ શરીરમાં જન્મથી જ ગર્ભાશય અને અંડાશય નથી. તે ક્યારેય રજસ્વલા થઇ નથી.
ડો. દત્તા કહે છે કે લગભગ ૨૨,૦૦૦ લોકો પૈકી એકાદ વ્યક્તિમાં આવી બીમારી જોવા મળે છે. આશ્વર્યજનક રીતે આ સમયે મહિલાની ૨૮ વર્ષીય બહેનની તપાસ કરવામાં આવતાં તેના શરીરમાં પણ આ જ હકીકત જોવા મળી હતી. આવા કિસ્સામાં વ્યક્તિ જીનેટિકલી પુરુષ હોય છે, પરંતુ તેના શરીરમાં તમામ બાહ્ય અંગો એક સ્ત્રીનાં હોય છે.
ડોક્ટરનું કહેવું છે કે દર્દીના પરિવારની મેડિકલ હિસ્ટ્રી તપાસતાં જાણવા મળ્યું છે કે દર્દીના અન્ય બે સંબંધીઓને પણ ભૂતકાળમાં આ જ સમસ્યા રહી છે.
દરમિયાન ડોક્ટરોએ જણાવ્યું હતું કે હાલ આ મહિલાની કિમોથેરાપી ચાલી રહી છે અને તેની હાલત એકદમ સ્થિર છે. ડોક્ટરોનું કહેવું છે કે એક સ્ત્રીની જેમ જ તેનો ઉછેર થયો છે અને મોટી થઇ છે. એક પુરુષની સાથે તે લગભગ એક દાયકાનું લગ્નજીવન વિતાવી ચુકી છે. આ સમયે અમે દર્દી અને તેના પતિનું કાઉન્સેલિંગ કરી રહ્યા છીએ અને તેમને સમજાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે ભવિષ્યમાં પણ તેઓ એ જ પ્રકારે જીવન પસાર કરે, જે રીતે અત્યાર સુધી તેમણે જીવન વીતાવ્યું છે.