નાલંદાઃ બિહારમાં ધોરણ - ૧૨ના એક એક્ઝામિનેશન સેન્ટર પર તેનો જ્યાં નંબર આવ્યો હતો ત્યાં 500 છોકરીઓ વચ્ચે પોતે એકમાત્ર છોકરો હોવાનું માલૂમ પડતા બેભાન થઈને ઢળી પડ્યો હતો. તેને તાવ પણ ચઢી ગયો હતો. આ બનાવ બિહારની બ્રિલિયન્ટ સ્કૂલના એક્ઝામિનેશન સેન્ટરનો છે. મણિશંકર નામનો આ વિદ્યાર્થી બિહાર શરીફની અલ્લામા ઇકબાલ કોલેજમાં ભણે છે. સામાન્ય રીતે અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને પરીક્ષામાં અઘરું પ્રશ્નપત્ર જોઈને ચક્કર આવી જતા હોય છે પણ મણિશંકર નામનો વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર પર 500 છોકરીઓ વચ્ચે પોતે એક માત્ર છોકરો હોવાનું જાણીને બેભાન થઈ ગયો.
એટલું જ નહીં, અહીં 500 છોકરીઓ વચ્ચે બેસીને પરીક્ષા આપવાની છે તેવો અહેસાસ થતાં તેને તાવ પણ આવી ગયો હતો. મણિશંકરને તત્કાળ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર અપાયા બાદ હાલ તેની હાલત સ્થિર છે.
તેના કાકીએ જણાવ્યું કે, ‘તે પરીક્ષા કેન્દ્ર પર ગયો અને જોયું કે તેનો જ્યાં નંબર હતો તે પરીક્ષા કેન્દ્ર આખું છોકરીઓથી ભરેલું હતું. પછી તે ગભરાઈ ગયો અને તેને તાવ પણ ચઢ્યો હતો અને બેભાન થઈને ઢળી પડ્યો હતો.'
એક્ઝામ સેન્ટર પર પ્રવેશપત્રની બરાબર ચકાસણી બાદ તેને પ્રવેશ તો આપી દેવાયો પણ આટલી બધી છોકરીઓ વચ્ચે મણિશંકર અસહજતા અનુભવતો હતો, જેના કારણે તેની તબિયત બગડવા લાગી હતી. તેણે કહ્યું કે, હવે તે આવતા વર્ષે ઇન્ટરમીડિયેટની એક્ઝામ આપશે. દરમિયાન, જિલ્લા શિક્ષણ અધિકારીઓનું કહેવું હતું કે, મણિશંકરે ઓનલાઇન ફોર્મ ભરવામાં કોઈ ભૂલ કરી હશે, જેના કારણે તેને ગર્લ્સ માટેનું એક્ઝામિનેશન સેન્ટર ફાળવાયું હશે.