કરાચીઃ પાકિસ્તાના ત્રણ ભાઈઓની વિચિત્ર બિમારીએ પાકિસ્તાનના ડોક્ટરોને મૂંઝવણમાં મૂકી દીધા છે. પાકિસ્તાનના આ ત્રણેય ભાઈઓ દિવસ દરમિયાન ખૂબ જ સક્રિય અને સ્વસ્થ હોય છે, પણ સાંજ પડતાં જ સૂર્યાસ્ત બાદ તેઓ સાવ નિષ્ક્રિય થઈ જાય છે, તેમના શરીરને લકવો લાગી જાય છે.
ડોક્ટરો આ બીમારીનો ઈલાજ શોધવા મથી રહ્યા છે, કારણ કે અત્યાર સુધી તેમની જાણમાં આવો કોઈ કિસ્સો જ આવ્યો નથી. ક્વેટાથી લગભગ ૧૫ કિલોમીટર દૂર આવેલા મિયાં કુંડીના રહેવાસી ત્રણ ભાઈઓ શોએબ, રાશિદ અને ઈલિયાસ આવી વિચિત્ર બીમારીથી પીડાય છે.
સોલાર કિડ્સના નામે ઓળખાતા આ બાળકો સવારે સામાન્ય બાળકોની જેમ જ ઊર્જાવાન હોય છે અને સક્રિય હોય છે, પણ સાંજ પડતાં જ તેમના શરીરને લકવો થઈ જાય છે. તેઓ હલનચલન પણ કરી શકતા નથી. શોએબ અત્યારે એક જ વર્ષનો છે, પણ ૯ વર્ષના રાશિદ અને ૧૩ વર્ષના ઈલિયાસ માટે આ સ્થિતિ વધારે અસહ્ય હોય છે.
પ્રાથમિક તબીબી તપાસમાં જણાવા મળ્યું છે કે, ત્રણેય બાળકો માસ્થેનિયા સિન્ડ્રોમથી પીડાય છે. દુનિયામાં અત્યાર સુધીમાં આવા ૬૦૦ કેસ નોંધાયા છે. આ બાળકોને સારવાર અને સંશોધન માટે પાકિસ્તાન ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસમાં દાખલ કરવામાં આવ્યા છે. સંસ્થાના ડીન ડો. જાવેદ અકરમે જણાવ્યું કે, અમારી સામે પહેલાં ક્યારેય આવી બીમારી આવી નથી. અમે તેની તપાસ કરી રહ્યા છીએ.
ક્વેટા આઈટી યુનિવર્સિટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા આ બાળકોના પિતા જણાવે છે કે, તેમના બાળકોને સૂર્ય કરતાં સમયની વધારે અસર થાય છે. દિવસ દરમિયાન સૂર્ય વાદળો પાછળ હોય તો પણ તેમના બાળકો સ્વસ્થ રહે છે. સાંજ થતાં જ તેમના શરીરની ચેતના સંકેલાઈ જાય છે.