રાજકોટઃ સમગ્ર વિશ્વમાં કાઠિયાવાડ એકમાત્ર એવો પ્રદેશ છે જેણે બે રાષ્ટ્રપિતા આપ્યા છે. આમાંના એક છે ભારતના રાષ્ટ્રપિત મહાત્મા ગાંધી અને બીજા છે પાકિસ્તાનના ઘડવૈયા મોહમ્મદ અલી ઝીણા. બન્નેની તસવીરો ચલણી નોટોમાં ઝળકે છે, અને બન્ને દેશના નાગરિકો તેમના ભારોભાર આદરભાવ ધરાવે છે તે સાચું, પરંતુ બન્નેનું વ્યક્તિત્વ એકદમ વિરોધાભાસી. આથી જ એકને સમગ્ર વિશ્વ શાંતિ-અહિંસાના પૂજારી તરીકે પૂજે છે તો ઝીણાના વ્યક્તિત્વ વિશે તમે જાતે જ નક્કી કરી લેજો. તેમની આ વૈશ્વિક છબી જ તેમને એકમેકથી નોખા પાડે છે.
ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર રાષ્ટ્રીય સ્મારક તરીકે આગવી નામના ધરાવે છે. અહીં કીર્તિમંદિરની મુલાકાતે દેશ-વિદેશમાંથી સેંકડો-હજારોની સંખ્યામાં લોકો આવે છે. જ્યારે મોહમ્મદ અલી ઝીણાના પૈતૃક વતન મોટી પાનેલીમાં ઘર તો હયાત છે, તેની મુલાકાતે ભાગ્યે જ કોઇ જવાનું પસંદ કરે છે.
મૂળ ગોંડલ સ્ટેટના અને હાલ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનું મોટી પાનેલી ગામ ઝીણાનું માદરે વતન છે. આજે પણ અહીં ઝીણાનું પૈતૃક ઘર ઉભું છે, પરંતુ એ નથી તો કોઇ સ્મારક કે નથી તો કોઇ તેના મુલાકાતી. ઐતિહાસિક નાતો ધરાવતા આ મકાનનું કોઇ લેવાલ પણ નથી કે કોઇ તેના ભાવ પણ પૂછતું નથી.
મોહમ્મદ અલી ઝીણાએ મોટી પાનેલી ગામમાં તેમનું બાળપણ વીતાવ્યું હતું. અભ્યાસ કર્યો હતો. આ પછી બેરિસ્ટર થવા માટે વિલાયત ગયા હતા. હિન્દુસ્તાનના ભાગલા પડયા એ પૂર્વે ૨૬ જાન્યુઆરી ૧૯૪૦ના રોજ તેઓ મોટી પાનેલીની મુલાકાતે આવ્યા હતા. આ સમયે તેમણે સ્કૂલની વિઝિટ બુકમાં લખ્યું હતું કે I came to Paneli... It is the home of my ancestors and I was very happy to see the school. (હું પાનેલી આવ્યો... આ મારા વડવાઓનું ઘર છે અને શાળા જોઇને મને બહુ આનંદ થયો.)
આ પછીના સાત વર્ષે તેમણે હિન્દુ-મુસ્લિમો વચ્ચે મતભેદોની દિવાલ ઉભી કરીને બે દેશના ભાગલા પાડવાનું જે કૃત્યુ કર્યું તેના માઠા ફળ આજેય ભારત અને પાકિસ્તાન ભોગવી રહ્યા છે. ઝીણાનું બે માળ ધરાવતું પૈતૃક ઘર હાલ મોટી પાનેલીમાં ટાવરવાળી શેરીમાં હયાત છે. તેમાં બે રૂમ રસોડું, કોઠાર ખંડ અને ફળિયું છે. ઝીણાએ ભારત છોડ્યું તે પૂર્વે પાનેલીના જૈન પરિવારને આ મકાન વેચ્યું હતું. થોડાક વર્ષ અહીં રહ્યા બાદ જૈન પરિવારે (૬૦ વર્ષ પૂર્વે) બેચરભાઈ ગોપાલભાઈ પટેલને આ મકાન વેચ્યું હતું. આજે અહીં બેચરભાઇના પૌત્ર પ્રવીણભાઈ રહે છે.
પ્રવીણભાઈ કહે છે કે આ મકાનની મુલાકાતે તો લોકો આવે છે, પરંતુ ઐતિહાસિક મકાન હોવા છતાં કોઈ તેનું ભાવ પૂછતું નથી કે કોઈ તેને ખરીદવામાં રસ ધરાવતા નથી! જો આ મકાન પાકિસ્તાનમાં હોત તો એ હેરિટેજ બની ગયું હોત.. પણ અહીં તો કોઈને તેમાં રસ નથી.