ખૈબરઃ પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં એક વૃક્ષ છેલ્લા ૧૧૮ વર્ષથી ધરપકડ કરાયેલી હાલતમાં છે. લાંદી કોટલ આર્મી એરિયામાં આવેલા એ વૃક્ષની ૧૮૯૮માં ‘ધરપકડ’ કરીને સાંકળે બાંધી દેવામાં આવ્યું હતું. બસ તે દિવસની ઘડી ને આજનો દિવસ. અત્યાર સુધી તે બંદીવાન છે.
વાસ્તવમાં આ વૃક્ષની ધરપકડ પાછળ એક રસપ્રદ વાત છે. પાકિસ્તાની અખબારના રિપોર્ટ અનુસાર, બ્રિટિશ રાજ દરમિયાન ઉચ્ચ અધિકારી જેમ્સ સ્ક્વેડ દારૂના નશામાં ચકચૂર થઇને ફરવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમને એવો વહેમ પડ્યો કે વડનું ઝાડ તેમના તરફ આવી રહ્યું છે.
આટલા વિશાળ વૃક્ષને પોતાની તરફ આવતું જોઈને સ્ક્વેડ એકદમ ગભરાઈ ગયા. તેમણે તરત સૈનિકોને આદેશ આપ્યો કે વૃક્ષની ધરપકડ કરી લેવામાં આવે. સૈનિકોએ પણ સાહેબના આદેશને માથે ચઢાવ્યો. અધિકારીના આદેશનું તરત પાલન કરીને ઝાડને સાંકળથી બાંધી દીધું ત્યારે સ્કવેડનો જીવ હેઠો બેઠો! બીજા દિવસે સ્કવેડનો નશો તો ઉતરી ગયો હશે, પણ રાત ગઇ સો બાત ગઇની જેમ સહુ કોઇ આ વાતને વીસરી ગયા.
બસ, તે દિવસથી અત્યાર સુધી આ વૃક્ષ હજુ પણ ધરપકડ થયેલી હાલતમાં જ છે. આ વૃક્ષ પર આજે પણ સાંકળો લટકેલી છે અને સાથે સાથે ‘આઈ એમ અંડર અરેસ્ટ’ એવું પાટિયું પણ લાગેલું છે.
પરંતુ આજ દિન સુધી વૃક્ષ પરથી સાંકળો દૂર કરીને તેને ‘કેદ મુક્ત’ કેમ કરવામાં આવ્યું નથી? આજ સુધી આ સાંકળો ન હટાવવાનું કારણ એ છે કે જેથી અંગ્રેજી શાસનની ક્રૂરતા દર્શાવી શકાય. લોકોના કહેવા પ્રમાણે આ વૃક્ષ અંગ્રેજ શાસનના કાળા કાયદાઓમાંના એક બ્રિટિશ રાજ ફ્રન્ટિયર ક્રાઈમ રેગ્યુલેશન (એફસીઆર)ની ક્રૂરતાને દુનિયા સમક્ષ રજૂ કરે છે.