વોશિંગ્ટનઃ નાસાના કેપ્લર ટેલિસ્કોપે પૃથ્વીથી ૪૦ પ્રકાશવર્ષ દૂર એક નવી સૂર્યમાળા શોધી કાઢી છે. આ સૂર્યમાળામાં એક સૂર્ય જેવા તારાની આસપાસ અદ્દલ પૃથ્વી જેવા જ સાત ગ્રહો પરિભ્રમણ કરી રહ્યા છે. એમાંથી ૩ ગ્રહો તો હેબિટેબલ ઝોન કહેવાતા વિસ્તારમાં છે. કોઈ તારા ફરતે ઘૂમતા ગ્રહો બહુ દૂર નહીં અને બહુ નજીક પણ ન હોય તેને હેબિટેબલ ઝોન કહેવાય છે. એવો ઝોન જ્યાં તાપમાન બહુ વધારે ન હોય, બહુ ઓછું ન હોય. જેથી જીવન વિકસી શકે અથવા પાણીનું અસ્તિત્વ હોઈ શકે. પૃથ્વી સૂર્યમાળાના હેબિટેબલ ઝોનમાં સ્થાન ધરાવે છે.
નાસાના વિજ્ઞાનીઓએ આ ગ્રહોને ટ્રેપિસ્ટ-૧ ગ્રહમાળા નામ આપ્યું છે. કેમ કે જે સ્ટાર ફરતે ગ્રહો પ્રદક્ષિણા કરે છે એ તારાનું નામ ટ્રેપિસ્ટ-૧ છે. ટ્રેપિસ્ટ જોકે આખી સિસ્ટમનું ટૂંકુ નામ છે. તેના નામનો વિસ્તાર વિજ્ઞાનીઓએ ધ ટ્રાન્ઝિટિંગ પ્લાનેટ્સ એન્ડ પ્લાનેટેસિમલ સ્મોલ ટેલિસ્કોપ એવો કર્યો છે.
ટ્રેપિસ્ટ-૧ અંગે ખગોળ વિજ્ઞાનીઓ ભારે ઉત્સાહિત છે. કેમ કે અત્યાર સુધી અનેક પૃથ્વી જેવા એક્સોપ્લાનેટ કહેવાતા ગ્રહો મળી આવ્યા છે. જોકે તેમાં આ સાતેય ગ્રહો અનોખા છે. વળી એક સાથે એક જ તારાને પ્રદક્ષિણા કરતાં સાત ગ્રહો મળી આવવા એ પણ અવકાશ વિજ્ઞાન માટે રેકોર્ડ છે.
સૌથી પહેલા મે ૨૦૧૬માં ચીલી ખાતે આવેલા રેડિયો ટેલિસ્કોપમાં આ સૂર્યમાળાની હલચલ નોંધાઈ હતી. વધુ માહિતી અને ખાતરી માટે અન્ય ટેલિસ્કોપને પણ ટ્રેપિસ્ટ-૧ના અભ્યાસ માટે કામે લગાડાયા હતા. એ પછી નાસાના કેપ્લર ટેલિસ્કોપે ટ્રેપિસ્ટ-૧ની હાજરી ઓળખી બતાવી હતી. બાદમાં વિજ્ઞાન જગતના પ્રતિષ્ઠિત મેગેઝિન 'નેચરે' આ અંગેનો અભ્યાસલેખ પ્રગટ કર્યો હતો. જેનાથી આખી દુનિયાને આ સાત ગ્રહો અંગે જાણ થઈ હતી.
૪૦ પ્રકાશવર્ષ એટલે કે અંદાજે ૩,૭૯,૦૦,૦૦૦ કિલોમીટર એ અવકાશમાં બહુ નાનુ અંતર ગણાય. જો કોઈ અવકાશયાન પ્રકાશની ઝડપે પ્રવાસ કરે તો તેને ટ્રેપિસ્ટ-૧ સુધી ૪૦ વર્ષનો સમય લાગી શકે છે. અલબત્ત, હાલ એટલું ઝડપી કોઈ યાન પૃથ્વીવાસીઓ પાસે નથી. પ્લુટો પર મોકલેલું ન્યુ હોરાઈઝન્સ અત્યારે સૌથી ઝડપી અવકાશયાન છે. એ કલાકના ૫૧,૫૦૦ કિલોમીટરની સરેરાશ ઝડપે આગળ વધે છે.
એ ઝડપે જ ન્યુ હોરાઈઝન્સ ટ્રેપિસ્ટ-૧ સુધીની સફર કરે તો તેને ત્યાં પહોંચતા ૮,૧૭,૦૦૦ વર્ષ લાગે! ટેલિસ્કોપ દ્વારા આ ગ્રહમાળાના અભ્યાસ દ્વારા એટલું જાણી શકાયું છે કે મોટા ભાગના ગ્રહો પૃથ્વીની જેમ નક્કર સપાટી ધરાવે છે. વળી આ ગ્રહો વચ્ચે પરસ્પરનું અંતર પણ ખાસ્સું ઓછું છે. એટલે કે એક ગ્રહ પર કોઈ વ્યક્તિ ઉભી હોય તો બીજા ગ્રહની સપાટી અને ભુગોળનો નરી આંખ અભ્યાસ કરી શકે.
ટ્રેપિસ્ટ-૧ તારો પોતે બહુ ચમકીલો નથી. તેથી વિજ્ઞાનીઓને તેનો અભ્યાસ કરવામાં સરળતા રહી હતી. જો તારો બહુ ચમકદાર હોય તો સરળતાથી અભ્યાસ કરી શકાતો નથી. કેપ્લર સહિતના ટેલિસ્કોપની કામગીરી પૃથ્વી જેવા ગ્રહો શોધી કાઢવાની જ છે.
આ સાત ગ્રહોની શોધ અત્યંત મહત્ત્વની હોવાથી ગૂગલે પણ એ અંગેનું ડૂડલ બનાવ્યું હતું. એટલે કે ગૂગલ સર્ચ કરતી વખતે ગૂગલ નામનો લોગો આ ગ્રહોનું ચિત્ર રજૂ કરે એ પ્રકારે ડિઝાઈન કરાયો હતો. મેગ્નિફિશિયન્ટ સેવનની શોધ થયા પછી હવે તેના વાતાવારણનો અભ્યાસ થશે.