સિડની: પૃથ્વી પર ક્યાંથી જીવન અસ્તિત્વ ધરાવે છે? એ સવાલનો વિજ્ઞાનીઓને નવો જવાબ મળ્યો છે. ઓસ્ટ્રેલિયાના કેટલાક ભુસ્તરશાસ્ત્રીઓને ગ્રીનલેન્ડમાંથી કેટલાક એવા ખડકો મળી આવ્યા છે જેમાં સૌથી જૂનાં જીવાશ્મો કેદ થયેલાં છે. આ ખડકો ગ્રીનલેન્ડના ઈસુઆ સુપરક્રસ્ટલ બેલ્ટમાંથી મળ્યા છે અને તેમાં રહેલાં અશ્મિઓ ૩.૭ અબજ વર્ષ જૂનાં છે. સાયન્સ જર્નલ નેચરમાં આ સંશોધન અંગે વિગતવાર અહેવાલ છપાયો છે.
પૃથ્વીનો ઉદભવ અંદાજે ૪.૫ અબજ વર્ષ પહેલાં થયો ગણાય છે. વ્યાપક માન્યતા પ્રમાણે પૃથ્વી પરના સૌથી પુરાણા અશ્મિઓ ૨૦ કરોડ વર્ષ પહેલાંના છે. એટલે કે ૨૦ કરોડ વર્ષ પહેલાં સુધી પૃથ્વી પર કોઈ પ્રકારનું જીવન હતું નહીં. પૃથ્વીના શરૂઆતી સવા ચાર અબજ વર્ષ જીવનવિહોણા હતા, પરંતુ હવે આ અશ્મિઓની શોધને કારણે એ માન્યતા ખોટી પડે છે. કેમ કે ૩.૭ અબજ વર્ષ પુરાણા અશ્મિઓનો મતબલ એવો થાય કે છે પૃથ્વી જન્મી એ પછી ૮૦ કરોડ વર્ષમાં જીવ પણ જન્મી ચૂક્યો હતો.
આ સુપર ક્રસ્ટલ બેલ્ટની ગણતરી પૃથ્વી પરના સૌથી જૂના ખડકોમાં થાય છે. ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાની એલન નટમેન ૧૯૮૦થી આ ખડકો પર સંશોધન કરે છે. એ દરમિયાન જુલાઈ ૨૦૧૨માં તેમના હાથમાં આ ખડકો આવ્યા હતા. હવે તેનું પૃથ્થકરણ કરતાં તેમાંથી ૩.૭ અબજ વર્ષ પહેલાના અતિસુક્ષ્મ જીવોના અવશેષો મળ્યાં છે. વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા તપાસ કર્યા પછી સંશોધકોએ ૩.૭ અબજ વર્ષનો આંકડો જાહેર કર્યો હતો.