પૃથ્વીનું પરિભ્રમણ ધીમું પડી રહ્યું છે, દિવસ લાંબો થઇ રહ્યો છે

એક સમયે પૃથ્વીનો દિવસ માત્ર 19 કલાકનો હતો અને તેમાં કાલાંતરે વધારો થતો રહ્યો છે

Monday 19th June 2023 11:13 EDT
 
 

કેટલીક માન્યતાઓ આપણા દિલોદિમાગમાં એટલી ઘર કરી ગઈ હોય છે કે આપણ તેના વિશે અલગ કશું વિચારી શકતા જ નથી. જેમ કે, મકરસંક્રાંતિ આપણા માટે 14 જાન્યુઆરીએ જ આવતો ઉત્સવ છે પરંતુ, વિજ્ઞાનની દૃષ્ટિએ ઉત્તરાયણ હવે 15 જાન્યુઆરી આવે છે છતાં, ઘર કરી ગયેલી માન્યતા બદલાતી નથી. આવું જ કાંઈક દિવસ-રાતના કલાકો વિશે છે. આપણે માનીએ છીએ કે આપણો દિવસ 24 કલાકનો છે પરંતુ, આ સાચું નથી! પૃથ્વીના દિવસના સાચી લંબાઈ 23.934 કલાક છે અને દિવસે અને દિવસે પૃથ્વીના દિવસની લંબાઈ ધીમી ગતિએ વધતી રહે છે.

પૃથ્વી તેની ધરી ઉપર ભ્રમણ કરે છે તેના કારણે દિવસ અને રાત થાય છે. પૃથ્વીની આ ભ્રમણકક્ષામાં ફેરફાર થતો જાય છે. કેટલાક દશકા અગાઉ પરિભ્રમણ ઝડપી હતું જેનાથી દિવસો ટુંકા થતા હતા. જોકે, હાલ પૃથ્વીની પરિભ્રમણ ગતિ અજાયબ રીતે ધીમી પડતી જાય છે જેથી દિવસો લંબાતા જાય છે. એક દિવસની લંબાઈ લગભગ 86,400 સેકન્ડ હોય છે અને માત્ર બે દશકામાં જ દિવસની લંબાઈ 1.8 માઇક્રો સેકન્ડસ વધી છે. વિજ્ઞાનીઓ માને છે કે એક શતકમાં દિવસની લંબાઈ 2.3 માઇક્રો સેકન્ડસ વધી છે. આના ઘણા કારણો હોઈ શકે છે. જોકે, મુખ્યત્વે ચંદ્રને લીધે પૃથ્વી પરના સમુદ્રોમાં આવતી ભરતી, ધરતીકંપો અને પ્રચંડ વાવાઝોડા પણ કારણભૂત હોઇ શકે છે.
પૃથ્વીના દિવસની લંબાઈ જાય છે તેની પાછળ મોટા ભાગે ચંદ્ર જવાબદાર હોવાનું વિજ્ઞાનીઓ માને છે. ઓસ્ટ્રેલિયાની કુર્ટિન યુનિવર્સિટીના ડો. યુવે કિર્શ્ચેર અને ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સીસ (સીએએસ)ના પ્રોફેસર રોસ મિચેલના નેચર જીઓસાયન્સમાં પ્રસિદ્ધ અભ્યાસમાં જણાવ્યા મુજબ પૃથ્વીમાંથી ચંદ્ર ઉપગ્રહની રચના થયા પછી ધીમે ધીમે ચંદ્રની ઓર્બિટ વધતી ગઈ છે અને તેના માટે પૃથ્વીની પરિભ્રમણ ઊર્જાનો ઉપયોગ થયો છે. પૃથ્વી અને ચંદ્રના ભ્રમણકક્ષાના પારસ્પરિક બળોએ ચંદ્રને થોડો દૂર ધકેલ્યો છે અને આ પ્રક્રિયામાં પૃથ્વીની પોતાની ધરી પરના પરિભ્રમણની ગતિ ધીમી પડવાથી દિવસની લંબાઈ વધતી રહી છે.
તમે કદાચ માનશો નહિ પરંતુ, અબજો વર્ષ સુધી પૃથ્વીનો દિવસ માત્ર 19 કલાકનો હતો અને તેમાં કાલાંતરે વધારો થતો રહ્યો છે. હકીકત એવી પણ છે કે 2 બિલિયન વર્ષ સુધી 19 કલાકના દિવસની લંબાઈમાં કોઈ ફેરફાર થયો ન હતો. ચંદ્રની રચના પછી પૃથ્વીના દિવસ શરૂઆતમાં લંબાવા લાગ્યા અને 19 કલાકના થયા પછી એક કે બે બિલિયન વર્ષ પહેલા સુધી અટકી ગયા અને ફરી તેનું લંબાવાનું શરૂ થયું હતું. આ યુગને વિજ્ઞાનીઓ ‘બોરિંગ બિલિયન’ તરીકે ઓળખાવે છે.

સૌરમંડળના ક્યા ગ્રહ પર કેટલા કલાકનો દિવસ?
(પૃથ્વીના ધોરણે)

બુધ (Mercury).....1,408 કલાક
શુક્ર (Venus).....5,832 કલાક
પૃથ્વી (Earth).....24 કલાક
મંગળ (Mars).....25 કલાક
ગુરુ (Jupiter).....10 કલાક
શનિ (Saturn).....11 કલાક
પ્રજાપતિ (Uranus).....17 કલાક
વરુણ (Neptune).....16 કલાક
યમ (Pluto).....153 કલાક


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter