ચેન્નઈ, તા. ૧૫ઃ તામિલનાડુના પાટનગર ચેન્નઈનો યુવાન કૈલાશ બાબુ શિલ્પકાર તો છે, પરંતુ તેની કળા અનોખી છે. તેમની શિલ્પકળા જોઈને પહેલો પ્રશ્ન તો એ જ થાય કે આ કેવી રીતે શક્ય છે? ૨૫ વર્ષીય કૈલાશ પેન્સિલની અણી પર મિનિએચર સ્કલ્પ્ચર બનાવે છે. તેણે ૨૦૧૧માં બ્રાઝિલિયન આર્ટિસ્ટ ડેલ્ટન ઘેટ્ટીમાંથી પ્રેરણા લઈને આ રીતે આર્ટવર્ક બનાવવાનું શરૂ કર્યું હતું, અને આજે તે સિદ્ધિના શીખરે બિરાજે છે.
કૈલાશને આમ તો નાનપણથી જ પેન્સિલ પ્રત્યે ઘણો લગાવ છે, જે હવે તેણે શિલ્પકળા સાથે સાંકળી લીધો છે. તેની પાસે હાલ ૧૦૦૦થી વધુ પેન્સિલોનું કલેકશન છે. તેણે આઇટી ફિલ્ડમાં એન્જિનિયરિંગનો અભ્યાસ તો પૂરો કર્યો, પણ તેનો રસનો વિષય માઇક્રો ફોટોગ્રાફી હતો. કૈલાશે પેન્સિલની અણી પર સ્કલ્પ્ચર બનાવવા કોઈ ટ્રેનિંગ લીધી નથી. માત્ર દોઢ વર્ષની અંદર કૈલાશ આ કામમાં કુશળ થઈ ગયો છે.
સૌથી રસપ્રદ બાબત તેના સ્કલ્પ્ચરના વિષયની પસંદગી છે. તે જે-તે સમયના રાજકીય-સામાજિક પ્રશ્નો પર શિલ્પકૃતિ કંડારે છે. તેના નાનકડાં આર્ટવર્ક ઘણું કહી જાય છે. તેનું સૌથી પહેલું સ્કલ્પ્ચર ‘પાણી બચાવો’ વિષય પર હતું. આ ઉપરાંત તેણે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને વુમન સેફટી જેવા વિષયોને પણ પેન્સિલની અણી પર કંડાર્યા છે. મિનિએચર આર્ટવર્ક તૈયાર કરવા પાછળ કૈલાશ રોજ સરેરાશ ૮-૯ કલાક કામ કરે છે.
કૈલાશ કહે છે કે, પેન્સિલની એકદમ નાજુક-નમણી લીડમાંથી આર્ટ તૈયાર કરવા માટે શ્વાસ પર કન્ટ્રોલ કરવો અને સારી દૃષ્ટિ ખૂબ જરૂરી છે.
આ આર્ટવર્ક તૈયાર કરવા કૈલાશે ક્યારેય બિલોરી કાચ વાપર્યો નથી. તેનું અત્યાર સુધીનું સૌથી નાનું આર્ટવર્ક ૦.૮ મિ.મી.ની ખુરશી છે. ભવિષ્યમાં કૈલાશ પોતાની આ ટેલેન્ટની મદદથી વિશ્વ વિક્રમ સર્જવા માગે છે.
છેલ્લા બે વર્ષમાં તેણે આઠથી દશ વર્કશોપ પણ કર્યા છે અને તામિલનાડુ, કર્ણાટક, તેલંગણમાં વિવિધ એક્ઝિબિશનોમાં ભાગ લઇને કળાવિવેચકોથી માંડીને કળાચાહકોની ભરપૂર પ્રશંસા મેળવી છે.