દેહરાદૂનઃ પુરાતન કાળની વાલિયા લૂંટારાની કથા જેવો જ કિસ્સો ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાની જેલમાં બન્યો હતો. અનેક ગુનાઓ બદલ અલ્મોડાની જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલાં એક અંડરવર્લ્ડ ડોનનું પણ એકાએક હૃદયપરિવર્તન થતાં તેણે જેલમાં જ દીક્ષા ગ્રહણ કરી સાધુ બની ગયો છે. પ્રકાશ પાંડે નામનો આ ડોન ખંડણી, લૂંટ અને હત્યા જેવા અનેક ગુનાઓમાં અહીંની અલ્મોડા જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો.
જેલવાસ દરમિયાન તે આધ્યાત્મ તરફ વળ્યો હતો. એક દિવસ અચાનક જ તેણે જેલ સત્તાવાળાઓ સમક્ષ દીક્ષા ગ્રહણ કરી સાધુ બનવા ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના પગલે જેલ સત્તાવાળાઓએ જેલની અંદર જ સંતોને બોલાવી તેની દીક્ષા વિધિ માટેની વ્યવસ્થા કરી હતી. વૈદિક વિધિથી સંપન્ન કરાયેલી દીક્ષા વિધિ બાદ પાંડેને રૂદ્રાક્ષની માળા અને કંઠી પહેરાવાઇ હતી. પ્રકાશ પાંડેને દીક્ષા આપનાર હરિદ્વારમાં મુખ્ય મથક ધરાવતા પંચ દશનામ જુના અખાડાના સંતે તેનું નામ બદલીને પ્રકાશાનંદ ગિરી રાખ્યું હતું.
દીક્ષા વિધિ બાદ સંતો અને પાંડેને દીક્ષા માટેની વ્યવસ્થા કરનાર ક્રિષ્ણા કંડપાલે જણાવ્યું હતું કે, પ્રકાશ પાંડે ધાર્મિક અને પવિત્ર જીવન જીવવાની ઈચ્છા ધરાવે છે. હું જ્યારે તેને પ્રથમ વખત મળ્યો ત્યારે મેં તેનામાં ધર્મ પ્રત્યેની અપાર શ્રદ્ધા અને દેશભક્તિ જોઈ હતી. એક વખત તો તે દાઉદ ઈબ્રાહિમની હત્યા કરવા પાકિસ્તાનમાં પણ ઘુસી ગયો હતો. આ સિવાય અન્ય એક જણની હત્યા કરવા તે વિયેતનામ પહોંચી ગયો હતો. જોકે તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરાઈ હોવાથી ત્યાં તેની પરપકડ કરી તેને ભારત મોકલી દેવાયો હતો. જેલમાં તેની સાથેની મુલાકાત દરમિયાન તેણે બાકીનું જીવન પર્મ અને આધ્યાત્મિકતાના માર્ગમાં ગાળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી મેં અખાડાના સંતો સમક્ષ તેની લાગણી રજૂ કરતાં તેમણે તેને દીક્ષા માટે સંમતિ આપી હતી.
રાજેન્દર ગિરી નામના એક સંતે જણાવ્યું હતું કે, પ્રકાશાનંદ ગિરીનું જીવન જેલમાં બંધ અન્ય કેદીઓ માટે પણ પ્રેરણારૂપ બનશે અને તેઓ પણ ધર્મ અને આધ્યાત્મના માર્ગ અપનાવવા પ્રેરાશે.
અખાડાએ તપાસ સમિતિ રચી
જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અંડરવર્લ્ડ ડોનને દીક્ષા આપવાની ઘટનાની તપાસ માટે પંચ દશનામ અખાડાએ સાત સભ્યોની સમિતિ બનાવી છે. અખાડાના આંતરરાષ્ટ્રીય સંયોજક હરિ ગિરીએ પ્રકાશ પાંડે ઉર્ફે પ્રકાશાનંદને અખાડાના મહામંડલેશ્વર બનાવાયા હોવાની વાતનો રદિયો આપ્યો હતો. જોકે તેમણે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિને સનાતન અંગિકાર કરવાનો અધિકાર છે. દીક્ષા આપવા બદલ જો કોઈએ નાણાં કે અન્ય કોઈ લાભ લીધો હશે તો તેને અખાડામાંથી બહાર ખદેડી દેવાશે.