અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં ડાક સેવાઓએ ઘણી લાંબી સફર કરી છે. ભારતનું સૌભાગ્ય છે કે વિશ્વની પ્રથમ હવાઈ ડાક સેવા અહીંથી શરૂ થઈ હતી. આ ઐતિહાસિક ઘટના 114 વર્ષ પહેલાં 18 ફેબ્રુઆરી, 1911ના રોજ પ્રયાગરાજમાં બની હતી.
યોગાનુયોગ એ વર્ષે કુંભ મેળાનું પણ આયોજન થયું હતું. તે દિવસે ફ્રેન્ચ પાઇલટ મોન્સિયર હેનરી પિકેટે નવો ઇતિહાસ રચ્યો હતો. તેઓ પોતાની સાથે 6,500 પત્રો લઈને પ્રયાગરાજથી નૈની સુધી વિમાનમાં ઉડાન ભરી હતી. વિમાન હેવિલેન્ડ એરક્રાફ્ટ હતું અને તેણે વિશ્વની પ્રથમ સરકારી ડાક વહન કરવાના નવા યુગની શરૂઆત કરી હતી.
ઉત્તર ગુજરાત સર્કલ-અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવના જણાવ્યા મુજબ, તે દિવસે ડાકની ઉડાન જોવા માટે લગભગ એક લાખ લોકો પ્રયાગરાજમાં એકઠા થયા હતા જ્યારે સાંજે 5.30 વાગ્યે એક વિશેષ વિમાને યમુના નદીના કિનારેથી ઉડાન ભરી અને નદી પાર કરીને 15 કિલોમીટરનું અંતર કાપ્યું અને પ્રયાગરાજની બહારની સેન્ટ્રલ જેલની નજીક આવેલા નૈની જંકશન પાસે ઉતર્યું. કાર્યક્રમનું સ્થળ એક કૃષિ અને વેપાર મેળો હતું જે નદીના કિનારે યોજાયો હતો અને તેનું નામ ‘યુપી પ્રદર્શન’ હતું.
આ પ્રદર્શનમાં બે ફ્લાઈંગ મશીન પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. કેટલાક બ્રિટિશ અધિકારીઓ દ્વારા આ વિમાનની આયાત કરવામાં આવી હતી. તેના જુદા જુદા ભાગો હતા જે સામાન્ય લોકોની હાજરીમાં પ્રદર્શન સ્થળ પર ભેગાં કરવામાં આવ્યા હતા. 114 વર્ષ પહેલા પ્રયાગરાજથી નૈની જંકશન સુધીની હવાઈ સફર માત્ર 13 મિનિટમાં પૂર્ણ થઈ હતી.
પોસ્ટ માસ્ટર જનરલ યાદવે જણાવ્યું કે આ ફ્લાઈટની ઉડાન માત્ર છ માઈલની હોવા છતાં આ ઘટનાને લઈને પ્રયાગરાજમાં ઐતિહાસિક ઉજવણીનો માહોલ હતો. બ્રિટિશ અને કોલોનિયલ વિમાન કંપનીએ જાન્યુઆરી 1911માં તેનું એક વિમાન પ્રદર્શન માટે ભારતમાં મોકલ્યું હતું, જે સંયોગથી પ્રયાગરાજ પહોંચ્યું ત્યારે કુંભ મેળો પણ ચાલી રહ્યો હતો. તે એવો સમય હતો જ્યારે વિમાન જોવું તો દૂર, બહુ ઓછા લોકોએ તેના વિશે બરાબર સાંભળ્યું હતું. આવી સ્થિતિમાં આ ઐતિહાસિક અવસરે ભારે ભીડ જામે તે સ્વાભાવિક હતું. આ સફરમાં હેનરીએ, ન માત્ર ઈતિહાસ રચ્યો પણ પહેલીવાર આકાશમાંથી દુનિયાનો સૌથી મોટો પ્રયાગ કુંભ પણ જોયો.