રિયાધઃ મહાભારતમાં યુધિષ્ઠિર કૌરવો સાથે જુગાર રમતાં દ્રોપદીને હારી ગયા હતા. આ જ રીતે સાઉદી અરેબિયાના પ્રિન્સ માજિદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ અજીજ જુગારમાં પાંચ પત્નીઓ અને હારી ગયા છે. પ્રિન્સે જુગારમાં એક જ ક્લાકમાં અંદાજે ૩૫૦ મિલિયન ડોલર ગુમાવ્યા હતા.
સાઉદી અરબના પ્રિન્સ માજિદ બિન અબ્દુલ્લાહ ડ્રગ્સ, જુગાર અને તેમની જાહોજલાલી ભરી જિંદગી માટે જગતભરમાં જાણીતા (!) છે. એક અહેવાલ કેટલાક દિવસ પહેલા માજિદ ઈજિપ્તના સિનઈ ગ્રાન્ડ કેસિનોમાં પોકર રમવા પહોંચ્યા હતા. રાજકુમારે ગેમ રમવાનું શરૂ કર્યું તો એક પછી એક ગેમ હારતા ગયા. પરિણામે માજિદ પહેલા પોતાની પાસેની બધી રકમ હારી ગયા. ત્યાર બાદ પણ તેમણે જુગાર રમવાનું બંધ ન કર્યું અને તેમણે જંગી રકમના બદલામાં પોતાની નવમાંથી પાંચ પત્નીઓને ગીરવે મુકી દીધી. આ પછી પણ તે બધી ગેમ હારી ગયા અને બદલામાં તેને પાંચેય પત્નીઓને ત્યાં કેસિનોમાં છોડીને જ જવું પડ્યું.
આ કેસિનોમાં પ્રિન્સ માજિદ એક અઠવાડિયાથી રોકાયા હતા. તે અનલિમિટેડ સ્ટેક્સવાળી પોકર પર રમતા હતા. કેસિનોના ડિરેક્ટર અલી શમૂને જણાવ્યું કે જ્યારે પ્રિન્સ તેમની બધી રકમ હારી ગયા તો તેમણે સાથે હાજર પાંચ પત્નીઓને પણ દાવ પર લગાવી દીધી, પરંતુ તે તેમને પણ હારી ગયા. ત્યાર બાદ તે પત્નીઓને સાથે લીધા વિના ત્યાંથી જતા રહ્યા. આ કેસિનોમાં લોકો જુગારમાં માત્ર રોકડનો જ ઉપયોગ કરે છે તેવું નથી. અહીં લોકો ઊંટ અને ઘોડાને દાવ પર લગાવે છે અને પાછળથી તેમને છોડાવી પણ લે છે. પરંતુ આવું તો પહેલી વખત થયું છે જ્યારે કોઈએ પત્નીને દાવ પર લગાવી હોય.
મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રિન્સના કૃત્યથી સાઉદી સરકાર શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. જોકે સરકાર તરફથી આ અંગે કોઈ નિવેદન કે પ્રતિક્રિયા અપાઈ નથી. અત્યાર સુધી જાણવા નથી મળ્યું કે પ્રિન્સની પત્નીઓને વતન પાછી મોકલાશે કે કેમ?
એક સંભાવના એવી છે કે સાઉદી રોયલ ફેમિલી રૂપિયા ચૂકવીને મામલો નીપટાવી દે. બીજી બાજુ ઈજિપ્તના વિદેશ પ્રધાન સામેહ શોકુરીનું કહેવું છે કે તેમની સરકાર સાઉદી મહિલાઓને તેમના દેશ મોકલવાના શક્ય બધા પ્રયાસ કરશે. ટૂંક સમયમાં તેમના પતિએ હારેલી રકમ ચૂકવીને તે મહિલાઓને છોડાવાશે. પ્રિન્સ માજિદ બિન અબ્દુલ્લાહ અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યા છે. ૨૦૧૫માં તેમના પર પુરુષ સહયોગી સાથે જાતીય સંબંધ બાંધવાનો આરોપ મૂકાયો હતો.