ફ્યુચર ટેક્નોલોજીઃ દુબઈમાં થ્રી-ડી પ્રિન્ટરથી ઓફિસનું નિર્માણ

Friday 03rd June 2016 04:41 EDT
 
 

દુબઈઃ વિશ્વમાં ટેક્નોલોજી સેક્ટર પ્રગતિના પંથે કેટલું હરણફાળ ભરી રહ્યું છે તેનું શ્રેષ્ઠતમ ઉદાહરણ ધનાઢયોની નગરી દુબઇમાં સાકાર થયું છે. દુબઈમાં થ્રી-ડી પ્રિન્ટર વડે બનેલી વિશ્વની પ્રથમ ઓફિસનો પ્રારંભ થયો છે. આ ઓફિસનું તમામ મટિરિયલ પ્રિન્ટર વડે તૈયાર થયું છે. આ પ્રોજેક્ટને સાકાર કરનારા નિષ્ણાતો કહે છે કે ફ્યુચર ટેકનોલોજી એટલે કે ભવિષ્યના બાંધકામો કેવા હોય શકે તેનો આ પ્રેક્ટિકલ નમૂનો છે. દુબઈ ફ્યુચર ફાઉન્ડેશન નામના સંગઠને આ એક માળની ઓફિસનું નિર્માણ કર્યું છે.
થ્રી-ડી પ્રિન્ટર એ એક એવું પ્રિન્ટર છે, જેમાંથી કાગળની પ્રિન્ટ નીકળવાને બદલે નક્કી કરેલી પ્રોડક્ટ્સ બનીને નીકળે છે. મતલબ કે ઓફિસની છત, દિવાલો, ફર્નિચર સહિતની સામગ્રી પ્રિન્ટરના માધ્યમથી તૈયાર થાય છે! આગામી વર્ષે આ સ્થળે મ્યુઝિયમ ઓફ ફ્યુચર બનવાનું છે તેના ભાગરૂપે આ ઓફિસનું નિર્માણ કરાયું છે.
બિલ્ડિંગ બનાવવા માટે ખાસ્સું મોટું કહી શકાય તેવા ૨૦ ફીટ ઊંચા મુખ્ય પ્રિન્ટર ઉપરાંત બીજા નાનાં-નાનાં પ્રિન્ટરોનો ઉપયોગ થયો હતો. પ્રિન્ટરોને આ ઓફિસનું મટિરિયલ બનાવામાં કુલ ૧૭ દિવસ લાગ્યા હતા. આ ઓફિસ માટે સ્પેશિયલ રેઈનફોર્સ્ડ કોન્ક્રીટ, ગ્લાસ ફાઈબર જીપ્સમ અને ફાઈબર રેઈનફોર્સ્ડ પ્લાસ્ટીક જેવાં મટિરિયલ્સ વપરાયા છે. મુખ્ય પ્રિન્ટર ૨૦ ફીટ ઊંચુ હોવા ઉપરાંત ૪૦ ફીટ પહોળુ અને ૧૨૦ ફીટ લાંબુ હતું. તેને ઓફિસ બાંધકામના સ્થળે એસેમ્બલ કરાયુ હતું. કુલ ૧૯ વ્યક્તિઓની ટીમ એ પ્રિન્ટરના ઓપરેટિંગ માટે કામે લાગી હતી.
આ ઓફિસનો કુલ વિસ્તાર ૨૭૦૦ ચોરસ ફીટ છે એટલે કે ઓફિસ સાવ નાની નથી. ઓફિસ કન્સ્ટ્રક્શનનો એટલે કે ઉત્પાદનનો કુલ ખર્ચ ૧.૪૦ લાખ ડોલર થયો હતો. પ્રિન્ટરના વપરાશને કારણે બાંધકામનો મજૂરી ખર્ચ અડધો અને માલસામગ્રી ખર્ચ ૩૦ ટકા સુધી ઓછો થયો છે.
આ બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે દુબઈના કેબિનેટ મિનિસ્ટર મોહમ્મદ અલ ગ્રેગાવીએ જણાવ્યું હતું કે આ માત્ર ઓફિસ નથી, પણ સંપૂર્ણપણે કાર્યરત ઓફિસ છે. દુબઈની સરકારે ૨૦૩૦ સુધીમાં ૨૫ ટકા મકાનો થ્રી-ડી પ્રિન્ટર વડે તૈયાર કરવાનું નક્કી કર્યું છે તે દિશામાં આ મહત્ત્વનું પગલું છે. થ્રી-ડી ડિઝાઈનિંગ ક્ષેત્રે અગ્રેસર અમેરિકન કંપની ગેન્સલરે આ ઓફિસ તૈયાર કરી આપી છે. અમેરિકાની એ સૌથી મોટી આર્કિટેક ફર્મ છે. આ ઓફિસમાં ૧૨થી માંડીને ૨૦ સુધીના સ્ટાફ મેમ્બર્સ બેસીને કામ કરી શકશે. ઓફિસ હવામાન સાથે વધારે પડતી ગરમ કે ઠંડી ન થઈ જાય એ રીતે બાંધકામ કરવામાં આવ્યું છે. સાથે સાથે વીજળીનો ઓછામાં ઓછો વપરાશ થાય તેનું પણ ધ્યાન રખાયું છે.

થ્રી-ડી પ્રિન્ટર ટેક્નોલોજી શું છે?

કાગળની પ્રિન્ટો કાઢવા માટેના પ્રિન્ટરો તો ઓફિસમાં સહુ કોઈએ જોયા હશે જ, પણ પ્રિન્ટરમાંથી કાગળને બદલે કોઈ પ્રોડક્ટ તૈયાર થઇને નીકળે તો? આ પ્રકારની કામગીરી કરતું પ્રિન્ટર એટલે થ્રી-ડી પ્રિન્ટર. અત્યાર સુધી કાલ્પનિક લાગતી આ શોધનો વ્યાપક ઉપયોગ જગતભરમાં થઈ રહ્યો છે. આ પ્રિન્ટિંગને એડિટીવ મેન્યુફેક્ચરીંગ પણ કહે છે, કેમ કે મૂળ તો આ પ્રિન્ટરનું કામ મેન્યુફેક્ચરિંગનું છે. જે પ્રકારની પ્રોડક્ટ બનાવાની હોય તેનો પાઉડર સ્વરૂપે કાચો માલ પ્રિન્ટરમાં ફીડ થયેલો હોય છે. તેનો ઉપયોગ કરીને જ આ પ્રિન્ટર નક્કી કરેલી ડિઝાઈનની પ્રોડક્ટ બનાવી આપે છે.
ઓનલાઈન વેબસાઈટો પર તો આવા પ્રિન્ટરો વેચાતા પણ મળે છે. અલબત્ત, અત્યાર સુધી ખોખા જેવું દેખાતું પ્રિન્ટર આપણે સૌએ જોયું છે, પણ આ પ્રિન્ટરોનો દેખાવ અલગ હશે કેમ કે તેમણે અલગ પ્રકારની પ્રોડક્ટ પ્રિન્ટ કરવાની છે, એટલે કે બનાવાની છે. ભવિષ્યની આગાહી કરનારા અનેક સંશોધકો માને છે કે થ્રી-ડી પ્રિન્ટરોને કારણે ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ થશે.

ભારતમાં હજુ પ્રારંભિક તબક્કે

ભારતમાં હજુ ખાસ થ્રી-ડી પ્રિન્ટર ટેક્નોલોજીનો ઉપયોગ થતો નથી. આથી લોકો તેનાથી વાકેફ પણ નથી, પરંતુ ટેકલોજીમાં આગળ વધેલા દેશોમાં આવા પ્રિન્ટરોનો વ્યાપક ઉપયોગ શરૂ થઈ ગયો છે. જેમ કે, જનરલ ઈલેક્ટ્રિક કંપનીએ ટર્બાઈન બનાવવા થ્રી-ડી પ્રિન્ટરો ગોઠવી દીધા છે. ઘરેલું વપરાશ માટેના પ્રિન્ટરો નાના કદના અને ઔદ્યોગિક વપરાશ માટેના પ્રિન્ટરો ખાસ્સા મોટાં કદના આવે છે. આવા ઔદ્યોગિક પ્રિન્ટરનો જ ઉપયોગ દુબઈમાં થયો છે.
અમેરિકામાં નાના કદના પ્રિન્ટરો દોઢ હજાર ડોલરની કિંમતે મળવા પણ લાગ્યા છે. મેડિકલ સાધનો બનાવવા માટે, ઓટોમોબાઈલ, એરોસ્પેસ, મિલિટરી એન્જિનિયરિંગ સહિતના ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થવા માંડયો છે. એક ગણતરી પ્રમાણે ૨૦૨૦ સુધીમાં વિશ્વભરમાં થ્રીડી પ્રિન્ટિંગનું માર્કેટ ૧૮ બિલિયન ડોલરના આંકડે પહોંચશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter