અમદાવાદ: કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)થી ચાલતી વિશ્વની પ્રથમ મોટરસાયકલ દેશની અગ્રણી ઓટોમોબાઈલ્સ કંપની બજાજ ઓટોએ પાંચ જુલાઇએ લોન્ચ કરી છે. શરૂઆતમાં ગુજરાત અને મહારાષ્ટ્રની બજારમાં 125 સીસીની આ મોટરસાયકલ મૂકાશે અને પછી તબક્કાવાર બધા જ રાજ્યોમાં ઉપલબ્ધ બનશે. કંપનીના મેનેજિંગ ડિરેકટર રાજીવ બજાજે પૂણે ખાતે આ બાઈક કરી તે પ્રસંગે કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા હતા.
સીએનજી સિલિન્ડર સૌથી મોટો પડકાર
રાજીવ બજાજે કહ્યું હતું કે બાઇકમાં સીએનજી સિલિન્ડર ક્યાં સેટ કરવું તે સૌથી મોટો પડકાર હતો. સીએનજી એક ચોક્કસ દબાણથી પૂરવામાં આવતો ગેસ છે. કારમાં લગેજ સ્પેસમાં સિલિન્ડર મૂકાય છે પણ બાઈકમાં આવી વ્યવસ્થા મુશ્કેલ હતી. અઢી વર્ષ સુધી નવા બાઈકની ડિઝાઈનમાં સિલિન્ડર મૂકવા અંગે મથામણ ચાલી હતી. ઉલ્લેખનીય છે કે સિલિન્ડરનું વજન 18 કિલો છે જ્યારે 15 લીટર પેટ્રોલની ટાંકીનું વજન માત્ર પાંચ કિલો હોય છે. આ સિલિન્ડર મૂકવા માટે અનેક મથામણ પછી આખરે તેને એક મેટલ ફ્રેમમાં ગોઠવાયું છે. આથી તે સુરક્ષિત છે એટલું જ નહીં સીટની વચ્ચે મૂકાયું હોવાથી બાઈકનું બેલેન્સ પણ જળવાઈ રહે છે.
લોન્ચ બાદ રાજીવ બજાજે જણાવ્યું હતું કે 25 વર્ષ પછી પ્રથમ વખત વૈશ્વિક ઇતિહાસ રચવાની ક્ષણ સાથે બજાજ ઓટો આવી રહ્યું છે. ‘1999માં અમારી કંપનીએ વિશ્વની પ્રથમ સીએનજીથી ચાલતી રીક્ષા - થ્રી વ્હીલર લોંચ કરી હતી.
આજે દેશની બજારમાં 75-80 ટકા રીક્ષા બજાજ ઓટોની દોડે છે. રીક્ષા ચાલકોને એ સમયે પેટ્રોલના ઊંચા ભાવની સમસ્યા નડી રહી હતી, તેમની બચત ઘટી રહી હતી. આજે ફરી એક વાર અમારી કંપની પરવડે એવી કિંમતની મોટરસાયકલ એવા સમયે લઇને આવી છે જ્યારે પેટ્રોલના ઊંચા ભાવ છે અને પ્રદૂષણની સમસ્યા સહુ કોઇને નડી રહી છે.