સિડનીઃ ઓસ્ટ્રેલિયાની નેશનલ આર્કાઈવ્ઝમાંથી ૧૪૫ વર્ષ પહેલાંનો એક પત્ર મળી આવ્યો છે. એ પત્રની વિશિષ્ટતા એ છે કે પત્ર બલૂન દ્વારા ડિલિવર કરવામાં આવ્યો હતો. ૧૮૭૦-૭૧માં જર્મનોએ પેરિસ કબજે લીધું હતું તે સમયના સંજોગોનું વર્ણન એ પત્રમાં છે. પત્ર પર લાગેલા સિક્કામાં તે બલૂન દ્વારા મોકલાયો હોવાનો ઉલ્લેખ છે અને આથી જ એ પત્ર ઐતિહાસિક બન્યો છે.
એ યુદ્ધ વખતે પેરિસ ચાર મહિના સુધી જર્મનો દ્વારા ઘેરાયેલું રહ્યું હતુ. એ વખતે પેરિસથી ફ્રાન્સના બાકીના ભાગ સુધી પહોંચવા માટે બલૂનો એકમાત્ર રસ્તો હતાં. તે સમયે વિમાનો શોધાયા નહોતા અને જમીનમાર્ગે જર્મનોનો પહેરો હતો. આથી રાત્રે બલૂનો રવાના કરવામા આવતા હતા, જેમાં પત્રો પણ મોકલાતા હતાં.
ચાર્લ્સ મેસ્નર નામના યુવાને ૧૮૭૦ની છઠ્ઠી ડિસેમ્બરે નોર્મન્ડી ખાતે રહેતી તેની માતા ગ્રસીનને આ કાગળ લખ્યો હતો. તેમાં યુવાને પોતે મજામાં છે, તબિયતને કોઈ વાંધો નથી, ચિંતા કરશો નહીં.. વગેરે વાતો લખી છે.
ઓસ્ટ્રેલિયાએ એ પત્રને જતનથી સાચવ્યો છે, પણ કાગળ ઓસ્ટ્રેલિયા સુધી કઈ રીતે પહોંચ્યો એ સમજી શકાતુ નથી. એ વખતે વપરાતા બલૂન હવે રમત અને સાહસનું સાધન બન્યા છે.