રતનગઢઃ ‘શોલે’માં બસંતીને મેળવવા માટે ટાંકા પર ચડી ગયેલા વીરુની સફળતા પછી આજે પણ અનેક પ્રેમીઓ એ રસ્તો અજમાવતા રહે છે. જોકે રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલા રતનગઢ ગામે એક બળદ વીરુ સ્ટાઈલમાં ટાંકા પર પહોંચી ગયો હતો. તાજેતરમાં એક સવારે, અગિયાર વાગ્યાના સુમારે જ્યારે ગામલોકોએ જોયું તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ બેઠો નહીં. એક અલમસ્ત આખલો ગામના ૬૦ ફૂટ ઊંચા પાણીના ટાંકા પર ચડી ગયો હતો. થોડીવાર તો આ આખલો શું કરે છે? એ ટોળાએ જોયા કર્યું. એ પછી લોકોનું આશ્ચર્ય શમ્યું ને ફાયર-બ્રિગેડને બોલાવવામાં આવી. બળદને ત્યાંથી ઉતારવાનું કામ અત્યંત જોખમી હતું, કેમ કે બળદ સહેજ પણ ભડકે અથવા તો ડરી જઈને ત્યાંથી છલાંગ મારી દે તો જીવ ગુમાવે. પહેલાં આ બળદને ક્રેનથી ઉતારવાનું વિચારાયું. ત્યારબાદ સ્ટેટ ડિઝાસ્ટરની ટીમ બોલાવાઈ અને બળદને દોરડા સાથે બાંધીને હળવેકથી સહીસલામત નીચે ઉતારવામાં આવ્યો. આ આખા ઓપરેશનમાં પૂરા આઠ કલાક લાગ્યા હતા.