લાસવેગાસઃ બાઇકસવારો માટે હવે એરબેગ બની છે. ફ્રાન્સની એક સ્ટાર્ટઅપ કંપની ઇન એન્ડ મોશને આ એરબેગ વેસ્ટ તૈયાર કર્યું છે. આ એરબેગ કારમાં આવતી એરબેગ કરતાં વધુ સ્માર્ટ હોવાનું કહેવાય છે. આ એરબેગને જેકેટની જેમ પહેરી શકાશે અને કાઢી પણ શકાશે. એ કારણથી જ તેનો ઉપયોગ કરવો વધુ સરળ છે. અકસ્માત વખતે ચાલક પડી જાય કે તરત જ સેકન્ડનાં સોમા ભાગ જેટલા સમયમાં જ આ એરબેગ ખૂલી જાય છે. આ એરબેગ શોનું અમેરિકામાં ઠેર ઠેર પ્રદર્શન પણ યોજાઈ રહ્યું છે. આ એરબેગ સ્માર્ટ ફોન સાથે જોડાયેલી હોય છે.
જેકેટની અંદર ઇન એન્ડ બોક્સ નામની એક સર્કિટ એરબેગમાં લાગેલી હોય છે. તે આ એરબેગના મગજ જેવું કામ કરે છે. તેમાં લાગેલું સેન્સર બાઇક ચલાવતી વખતે દરેક મૂવમેન્ટની ગણતરી કરતું રહે છે. તેની સૌથી મહત્ત્વની વિશેષતા એ છે કે કોઇ મોટો ધક્કો કે ઝાટકો લાગે કે તરત જ તેનાં સેન્સર એક્ટિવ થઇ જાય છે અને એ જેકેટ ફૂલી જાય છે. વળી જેકેટ ફૂલી ગયા બાદ ૩ મિનિટ સુધી બાઇકચાલકની કોઇ હિલચાલ અનુભવાય નહીં તો એરબેગમાં ફિટ કરાયેલા સેન્સર્સ દ્વારા ઇમરજન્સી નંબર પર એલર્ટનો મેસેજ પહોંચી જાય છે. આ જેકેટની ડિઝાઇન એ રીતે તૈયાર કરાઇ છે કે તે ખભાની સાથે છાતી અને કરોડરજ્જુની પણ સુરક્ષા કરે છે. અત્યારે કંપની કેટલાક જેકેટ ફ્રીમાં પણ વહેંચી રહે છે, પરંતુ તેના ઉપયોગકર્તાઓના રિવ્યુ પછી જેકેટની કિંમત નક્કી કરાશે. લાસવેગાસમાં જેકેટનું પરીક્ષણ સફળ રીતે પાર પડ્યું છે. વહેલામાં વહેલી તકે આ જેકેટને વેચાણમાં મૂકવાની કંપનીની યોજના છે. જોકે એ બજારમાં ક્યારે અને કઇ કિંમતે મુકાશે એ હજુ નક્કી નથી. અત્યારે તો કંપનીએ એરબેગ ઝુંબેશ શરૂ કરી દીધી છે, જે અંતર્ગત કંપની આશરે ૫૦૦ લોકોને એરબેગ મફત વહેંચી રહી છે. આ કંપની બાઇકચાલકો માટે જ નહીં સ્કીયર્સ અને ઘોડેસવારોની સુરક્ષા માટે પણ કામ કરી રહી છે.