લંડનઃ નાના બાળકોની ઊંચાઈ અને શરીરનું કદ ઝડપથી વધતું હોય છે. દર છ મહિને તેનાં કપડાં ટૂંકા પડવા લાગે છે અને મા-બાપે નવાં કપડાં ખરીદવાં પડે છે. વળી, નાનાં બાળકોનાં કપડાં પણ કિંમતમાં મોંઘા પણ હોય છે. આમ નાનાં બાળકોનાં કપડાં ખરીદવાનું સરવાળે ઘણું ખર્ચાળ સાબિત થતું હોય છે. જોકે બ્રિટનના એક સંશોધકે જેમ જેમ બાળકોની ઉંમરની સાથે સાથે ઊંચાઈ અને કદ વધે તેમ તેમ તેની સાથે મોટાં થતાં જાય તેવાં વસ્ત્રો વિકસાવ્યા છે.
૨૪ વર્ષના રયાન યાસિન નામના યુવકે આવાં વસ્ત્રો બનાવવા માટે એક નવા પ્રકારનું મટીરિયલ બનાવ્યું છે. જે બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ તેના કપડાંને મોટું કરતું જાય છે.
બાળક ૬ મહિનાથી માંડીને ૩૬ મહિનાનું થાય ત્યાં સુધી તેનાં કપડાં જુદી જુદી ૬ સાઇઝ સુધી તેના શરીરને ફિટ થાય તે રીતે વધતાં રહે છે. આના કારણે બાળકનાં માતા-પિતાને દર વર્ષે જંગી રકમની બચત શક્ય બનશે.
વિચાર કઇ રીતે આવ્યો?
એક વખત યાસિને જ્યારે તેનાથી ઉંમરમાં નાના પિતરાઈ ભાઈ માટે વસ્ત્રો ખરીદ્યાં અને તે પહેરાવવા ગયો ત્યારે ટૂંકાં પડ્યા. આ પછી તેણે વયની સાથે વસ્ત્રનું કદ વધે તેવું મટીરિયલ બનાવાનો વિચાર આવ્યો અને પ્રયોગો શરૂ કર્યાં હતા. પોતે એન્જિનિયરીંગની ડિગ્રી ધરાવતો હોવાથી કેટલાક ટેક્સટાઇલનાં સ્ટ્રક્ચરથી તે માહિતગાર હતો. આથી તેણે રબરબેન્ડમાં વપરાતાં મટીરિયલ જેવું સ્થિતિસ્થાપક કપડું બનાવવા મહેનત શરૂ કરી હતી. આવું મટીરિયલ લાંબું અને પહોળું થઈ શકે તે રીતે તેને બનાવવામાં આવ્યું. આ મટીરિયલ વોશપ્રૂફ, વોટરપ્રૂફ અને ફાટી ન જાય તેવું છે.
ડિઝાઇનિંગનો નવો આઇડિયા
આ પ્રકારનું કપડું વિકસાવવા માટે યાસિનને નેશનલ જેમ્સ ડાયસન એવોર્ડથી નવાજવામાં આવ્યો છે. બ્રિટિશ ડિઝાઇન સંશોધક સર જેમ્સ ડાયસનનાં નામથી આ એવોર્ડ આપવામાં આવે છે. રયાન યાસિને લંડનની ઇમ્પિરિયલ કોલેજમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. આ પછી તે રોયલ કોલેજ ઓફ આર્ટ્સમાં ગ્લોબલ ઇનોવેશન ડિઝાઇનના કોર્સમાં જોડાયો હતો. તેને નવા આઇડિયા માટે ૨,૦૦૦ પાઉન્ડનું ઇનામ મળ્યું હતું. હવે તે ૩૦,૦૦૦ પાઉન્ડનું ઇનામ ધરાવતી વૈશ્વિક સ્પર્ધામાં ભાગ લેવાનો છે.