પટનાઃ ગ્રાન્ડ ટ્રન્ક (જીટી) રોડ નામે ઓળખાતો રસ્તો એક સમયે એશિયાનો સૌથી લાંબો અને સૌથી મહત્ત્વનો રસ્તો હતો. એશિયાને જગત સાથે જોડવાનું કામ એ રસ્તો કરતો હતો, પરંતુ કાળક્રમે રસ્તો સંપૂર્ણ નષ્ટ થયો હતો. પરિણામ એ આવ્યું કે ગ્રાન્ડ ટ્રન્ક રોડનો નકશો હતો, પરંતુ ખરેખર રસ્તો ક્યાં હતો અને કેવો હતો એ કોઈએ જ જોયો નહોતો. જોકે હવે એ રસ્તો દેખાય છે.
બિહારની સોન નદીમાં થોડા સમય પહેલાં આવેલાં પૂરને કારણે રસ્તો સપાટી પર આવ્યો હતો. નદીમાં પૂર ઓસર્યા પછી કેટલીક રેતી પાણી સાથે તણાઈ ગઈ હતી. તણાયેલી રેતી નીચે પથ્થરનો બનેલો રસ્તો જોવા મળ્યો હતો. ભારતીય પુરાતત્ત્વીય વિભાગે તપાસ કરતાં આ અવશેષો જી ટી રોડના હોવાનું જણાયું હતું. હાલમાં કુલ ચાર કિલોમીટર લાંબો પટ્ટો નદીની રેતીમાંથી સાફ કરીને બહાર કાઢવામાં સફળતા મળી છે. અડોઅડ પથ્થર ગોઠવીને બનેલો આ રસ્તો સરેરાશ ૨૦ ફીટ જેટલો પહોળો છે. શેરશાહ સૂરીએ ૧૬મી સદીમાં એશિયાનો વિશ્વ સાથે વેપાર વધારવા માટે આ રસ્તો અફઘાનિસ્તાનથી શરૂ કરીને બાંગ્લાદેશ સુધી બંધાવ્યો હતો. સૂરી ત્યારે અફઘાનિસ્તાનનો શાસક હતો. એ વખતે જોકે રસ્તાનું નામ જી ટી રોડ નહોતું. બિહારના દક્ષિણ ભાગમાં આવેલા ઓરંગાબાદ જિલ્લાના કાનબહેલી વિસ્તાર પાસેથી આ રસ્તો મળી આવ્યો છે.
બ્રિટિશરોએ ભારતમાં આવ્યા પછી આ રોડનું મહત્ત્વ પારખીને તેને ગ્રાન્ડ ટ્રન્ક નામ આપી દીધું હતું. સૂરીએ આ રસ્તો સારી રીતે બંધાવ્યો પણ એ પહેલાં પણ તેનું અસ્તિત્વ તો હતું જ. છેક ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી ગંગાના કાંઠે રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો તેવું ભારતીય આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટનું સંશોધન છે. રસ્તાનું સૂરીએ વ્યવસ્થિત બાંધકામ કરાવ્યું હશે તેવું પુરાતત્ત્વવિદોનું માનવું છે. કૌટિલ્યના અર્થશાસ્ત્ર સહિતના દસ્તાવેજોમાં આ રસ્તાના ઉલ્લેખો જોવા મળે છે. આ રસ્તો ઉત્તર તરફ જતો હોવાથી ઉત્તરપથ નામે પણ જાણીતો હતો.
પુરાતત્ત્વ નિષ્ણાતોએ જણાવ્યુ હતું કે ભારતના ઈતિહાસમાં આ મહત્ત્વપૂર્ણ શોધ છે. કેમ કે અત્યાર સુધી જી ટી રોડ વિશે માહિતી મળતી હતી, પરંતુ હકીકતમાં એ રોડ કેવો છે? તે વિશે સૌને ઇંતેજારી હતી. પ્રથમવાર એ રસ્તાનું વાસ્તવદર્શન થયું છે. અત્યારે મળી આવેલો રસ્તો આજે પણ સાજો સમો છે અને તેના પથ્થર યથાવત છે. બાંગ્લાદેશના ચિત્તગોંગથી શરૂ કરીને છેક અફઘાનિસ્તાનના કાબૂલમાં પૂરો થતો આ રસ્તો ૨૫૦૦ કિલોમીટર લાંબો હતો.