રોહતાસઃ બિહારના રોહતાસ જિલ્લામાં ચોરીની અજીબોગરીબ ઘટના બની છે. અહીં નકલી અધિકારી બનીને આવેલા તસ્કરો ત્રણ દિવસમાં 60 ફૂટ લાંબો અને 500 ટન વજનનો લોખંડનો આખેઆખો પૂલ ચોરી ગયા છે. રસપ્રદ વાત એ છે કે આ તસ્કરોએ સરકારના સિંચાઈ વિભાગના કર્મચારીઓ પાસે જ પૂલને કપાવડાવ્યો હતો અને પોતાના ટ્રકમાં ભરીને એનું લોખંડ ચોરી ગયા હતા. વળી, આ ઘટના ધોળા દહાડે જ બની હતી, જેથી કોઈને શંકા પણ નહોતી ગઈ. ચોરની આ અનોખી ઘટના બાદ દોડતા થઇ ગયેલા પોલીસ તંત્રે પ્રાથમિક તપાસના આધારે આ કેસમાં આઠ લોકોને અટકાયતમાં લીધા છે. જોકે આ ઘટનાએ તંત્રની આબરૂના લીરા ઉડાવ્યા છે.
આ મામલો નાસરીગંજ પોલીસ સ્ટેશન ક્ષેત્ર હેઠળના અમિયાવરનો છે. અહીં આરા કેનાલ નહેર પર 1972ની આસપાસ લોખંડનો પૂલ બનાવવામાં આવ્યો હતો. આ પૂલને ત્રણ દિવસમાં ચોરોએ એવી ચાલાકીથી કપાવડાવ્યો હતો અને એનું લોખંડ ટ્રકોમાં ભરીને ગાયબ થઇ ગયા હતા. આ પૂલ કાપવા માટે બુલડોઝર, ગેસ કટરનો પણ ઉપયોગ થતો રહ્યો હતો.
આખું ગામ છેતરાઈ ગયું
આ ચોરોએ ચાલાકીથી આ ચોરીને અંજામ આપ્યો હતો કે ગ્રામીણથી માંડીને સ્થાનિક કર્મચારીઓ સુદ્ધાં તસ્કરોની જાળમાં સપડાઇ ગયા હતા. આ તસ્કરો સિંચાઈ વિભાગના અધિકારી બનીને ગામમાં પહોંચ્યા હતા અને વિભાગીય આદેશ બતાવીને પૂલની કાપકૂપ શરૂ કરી હતી.
આ પ્રકારે આશરે 60 ફૂટ લાંબો અને 12 ફૂટ ઊંચો લોખંડનો પુલ ચોરીને રફ્ફુચક્કર થઇ ગયા હતા. આ મામલો સામે આવ્યા પછી સિંચાઈ વિભાગે પોલીસ ફરિયાદ કરી હતી.
પુલની ચોરી મામલે રોહતાસ પોલીસ વડા આશિષ ભારતીએ કહ્યું, ‘મામલાની તપાસ કરાઈ રહી છે. તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે. અને જલદી આરોપીઓની ધરપકડ કરીને ચોરી થયેલો સામાન જપ્ત કરાશે. આ મામલે બધાં પાસાં પર તપાસ ચાલી રહી છે.’ આ મામલે આઠ લોકોને અટકાયતમાં લેવાયા છે અને તેમાં નહેર વિભાગના એક કર્મચારી સમેત ચાર ભંગારવાળા પણ સામેલ છે.
જળસંસાધન વિભાગના સોન નહેર ઓથોરિટીના ઇજનેર અરશદ કમાલ શમ્સીએ એક વેબપોર્ટલ સાથેની વાતચીતમાં જણાવ્યા મુજબ ચર્ચામાં આવેલો પુલ રોહતાસના નાસરીગંજ થાણા હેઠળ આવે છે. સોન નહેર પર બનેલા આ પુલને આરા કેનાલ પણ કહે છે. 12 ફૂટ ઊંચા અને 60 ફૂટ લાંબા આ પુલની ચોરીની ઘટના અમિયાવર નામના ગામ પાસે બની છે. આ અંગે જાણવા મળતાં શમ્સીએ જ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
શમ્સી કહે છે કે ‘જળસંસાધન વિભાગનો એક યાંત્રિક વિભાગ હોય છે, જેનું કામ પુલની જાળવણી કરવાનું હોય છે. યાંત્રિક વિભાગના લોકો આ ઋતુમાં જઈને પુલ વગેરેની તપાસ કરે છે. તેનો ફાયદો ઉઠાવીને ચોર ગયા અને તેમણે કહ્યું કે તેઓ વિભાગીય આદેશ અનુસાર પુલને કાપવા માટે આવ્યા છે. ગામલોકો અગાઉ ઘણી વાર અરજી કરી ચૂક્યા હતા કે પુલ જર્જરિત થઈ ગયો છે અને તેના કારણે પ્રાણીઓ ઘાયલ થાય છે અને ઘણી વાર તેમનાં મૃત્યુ પણ થઈ જાય છે. આથી જેસીબી, પિક-અપ અને ગેસગટર લઈને આવેલા ચોરો પર કોઈને શંકા ન ગઈ.
સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે, ચોર ત્રણ દિવસ સુધી આ કામને અંજામ આપતા રહ્યા. આખરે આ ઘટનાની જાણકારી કેવી રીતે મળી? શમ્સી કહે છે, ‘હું એક અન્ય પુલનું નિર્માણકાર્ય જોવા માટે ગયો હતો. ત્યાં લોકો પાસે આ સંદર્ભે ચર્ચા સાંભળી તો મેં જઈને પુલ જોયો, જેને ચોર લઈ ગયા હતા. ત્યાર બાદ મેં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.’