બીડ (મહારાષ્ટ્ર)ઃ ગુંડાઓની ટોળકી વચ્ચે ગેંગવોર થતી હોવાનું તો આપણે સહુએ સાંભળ્યું છે, પણ શું તમે ક્યારેય કૂતરાઓ અને વાંદરાઓ વચ્ચે ગેંગવોરનું સાંભળ્યું છે?! સાંભળવામાં થોડું અટપટું કે વિચિત્ર લાગે, પરંતુ આ હકીકત છે. મહારાષ્ટ્રના બીડમાં વાંદરાઓ અને કૂતરાઓ વચ્ચે છેલ્લા લાંબા સમયથી ‘ગેંગવોર’ ચાલી રહી છે. આના લીધે લોકોમાં પણ ભયનું વાતાવરણ પ્રવર્તે છે.
આ ગેંગવોરમાં અત્યાર સુધીમાં ૭૦થી ૮૦ કૂતરા માર્યા ગયા છે. ગામવાસીઓનું કહેવું છે કે કૂતરાએ વાંદરાના બચ્ચાને મારી નાખ્યું છે ત્યારથી આ લડાઈ શરૂ થઈ છે. ગામવાસીઓએ જણાવ્યું છે કે છેલ્લા ત્રણ મહિનામાં વાંદરાઓએ કેટલાય કૂતરાઓને મારી નાખ્યા છે. વાંદરા અને કૂતરા વચ્ચેના ઝઘડાથી સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ છે. તેઓએ આ જાણકારી વન વિભાગને આપી છે.
આશરે પાંચ હજારની વસ્તીવાળું આ ગામ વાંદરાઓના આતંકથી પણ હેરાન છે. વાંદરાઓએ કેટલીય વખત પગપાળા જતાં લોકો પર હુમલો કરીને તેમને લોહીલુહાણ કર્યા છે. વન વિભાગે કેટલાક વાંદરાને પાંજરામાં કેદ પણ કર્યા છે. જોકે લોકોનું કહેવું છે કે આનો કોઈ નક્કર ઉકેલ લાવવો જરૂરી છે. ગામવાસીઓનું કહેવું છે કે વાંદરાઓનું ઝૂંડ કૂતરાની તલાશમાં આવે છે અને તેના બચ્ચાઓને ઉઠાવી લઈ જાય છે.
ભૂખ અને તરસના લીધે કૂતરાના બચ્ચા મરી જાય છે. આ ઘટનાક્રમ લાંબા સમયથી ચાલી રહ્યો છે. વન વિભાગે જણાવ્યું હતું કે તેમને ગામવાસીઓ પાસેથી જાણકારી મળી હતી કે વાંદરાઓએ ઘણો આતંક મચાવ્યો છે. તેથી તપાસ માટે ટીમ મોકલાઈ હતી. ટીમે જોયું કે એક વાંદરો કૂતરાના બચ્ચાને લઈને અત્યંત ઊંચાઈએ બેઠો છે. વાંદરો કૂતરાના બચ્ચાને પોતાની પાસે રાખી લે છે. કૂતરાના બચ્ચા ભૂખ્યા અને તરસ્યા મરી જાય છે. કેટલાક વાંદરાને પાંજરામાં કેદ કરી સલામત સ્થળોએ છોડાયા છે.