હજારીબાગ: તેરી ઉંગલી પકડ કે ચલા, મમતા કે આંચલ મેં પલા, મા ઓ... મેરી મા... આ ગીત ઝારખંડના કાની બજારમાં વર્ષોથી વસવાટ કરતા એક પરિવારના ઘરમાં સવાર-સાંજ ગૂંજી રહ્યું છે.
આ ઘર દિનેશ નાથાણીના પરિવારનું છે, અને અહીંનું આ રોજિંદુ દૃશ્ય છે. નાથાણી પરિવારે બીમાર માતાને સાજા કરવા માટે નાચગાનની અનોખી રીત અપનાવી છે. માતા ઓક્સિજન પર છે, પણ પ્રેમાળ પરિવારજનો તેમને હોસ્પિટલમાં દાખલ કરી દેવાના બદલે ઘરે જ સેવા-સારવાર કરી રહ્યા છે. નાથાણીનું માનવું છે કે તેઓ ઘરે પણ હોસ્પિટલથી સારી સેવા-સુશુશ્રા કરી શકે તેમ છે તો તેમને હોસ્પિટરમાં શા માટે દાખલ કરવા જોઇએ? આ સંવેદનશીલ નિર્ણયનું હકારાત્મક પરિણામ જોવા પણ મળી રહ્યું છે. પરિવારજનો ગીત ગાય છે ત્યારે સાનભાન ગુમાવીને પથારીવશ માતાનો ચહેરો સહેજ મલકાતો હોવાનું સહુ કોઇ જોઇ શકે છે. આમ, માતાના સ્વાસ્થ્યમાં હકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. પરિવારજનો માત્ર આ જ ગીત સંભળાવે છે તેવું નથી, તેઓ બીમાર માતાને મોટિવેશનલ સોન્ગ્સ પણ સંભળાવે છે. નિશાંત સોની નામના યુવા આર્ટિસ્ટને આ અનોખી વાત જાણવા મળી તો તે આ પરિવારના ઘરે પહોંચી ગયો. પરિવારની મુલાકાત લઇને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો ને વાઇરલ થઇ ગયો. નિશાંત કહે છે વડીલો પ્રત્યે આટલો પ્રેમ દરેક ઘરમાં હોય તો એકેય વૃદ્વાશ્રમની જરૂર જ ન પડે.