લખનૌ: શ્રદ્ધાળુઓ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શીવને દૂધ, બિલિપત્ર અને ધતુરો ચડાવતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના બીહાજોઇ ગામના એક પ્રાચીન શીવ મંદિરમાં લોકો ઝાડુ ચડાવવાની માનતા માને છે.
આ મંદિરમાં દર્શન માટે લોકોની ભીડ જામે છે. ભકતોના એક હાથમાં જળ ભરેલું હોય છે તો બીજાના હાથમાં ઝાડુ હોય છે. મંદિરમાં બીજી કોઇ મૂર્તિ નથી માત્ર શિવલિંગ છે. ગામલોકોના જણાવ્યા મુજબ આ પ્રથા ૧૫૦ વર્ષ જૂની છે અને ઝાડુ ચડાવવાની પ્રથા પણ એટલી જ જૂની છે. જેને ચામડીના રોગની બીમારી ના મટતી હોય ત્યારે શીવજીને ઝાડુ ચડાવવાની માનતા રાખે છે. ખાસ કરીને શ્રાવણ માસના સોમવારે સૌથી વધુ લોકો ઉમટી પડે છે. ઝાડુ ચડાવવાનું મહાત્મ્ય છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ વધી ગયું છે.
આ અંગેની એક ચમત્કારિક માન્યતા મુજબ ગામમાં ભીખારીદાસ નામનો ધનવાન વ્યકિત ચાામડીના રોગથી પીડાતો હતો. તેના શરીર પર વારંવાર કાળા ધબ્બા પડી જતા જેની ખૂબ પીડા થતી હતી. તે દરરોજ બાજુના ગામમાં રહેતા વૈદ્ય પાસે સારવાર માટે જતો હતો. તેને પાણીની તરસ લાગતા રસ્તામાં મંદિર પાસેના આશ્રમમાં ઉભો રહ્યો હતો. સંજોગવશાત્ મંદિરની સફાઇ કરી રહેલા મહંતના ઝાડુનો સ્પર્શ થતા ચામડીનો રોગ મટી ગયો હતો. મહંતે ભગવાનની કૃપાથી આ ચમત્કાર થયો હોવાનું સમજાવતા આ પ્રથા શરૂ થઇ હતી. આ પછી રોગમુકત થયેલા ધનવાને આશ્રમ પાસે આ શીવ મંદિર બનાવ્યું હતું. આ શીવ મંદિરની આસપાસ પ્રસાદની સાથે ઝાડુ વેચનારાઓની પણ અઢળક દુકાનો જોવા મળે છે.