મુંબઇઃ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ગામડાંઓમાં રહસ્યમય બીમારીએ લોકોને હેરાનપરેશાન કરી નાંખ્યા છે. લોકો રાતોરાત ટકલા થઈ રહ્યા છે, અને તેનો ભેદ ઉકેલાતો નથી. આથી ઉલ્ટું બે ગામથી શરૂ થયેલી આ રહસ્યમય બીમારી આજે 11 ગામો સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં કુલ 139 લોકો ટકલા થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. આ બીમારીની તપાસ માટે દિલ્હીથી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ની ટીમ આ વિસ્તારમાં પહોંચી છે.
બુલઢાણાંના શેગાંવ અને આસપાસના ગામોમાં છેલ્લા કેટલાય દિવસોથી લોકોના વાળ રાતોરાત ખરી રહ્યા છે. કેટલાય લોકો માત્ર ત્રણ દિવસમાં તો કેટલાક સાત દિવસમાં ટકલા થઈ ગયા છે. આમાં મહિલાઓ - બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે.
આ ગામડાંઓના પાણીની પણ વારંવાર જુદી જુદી એજન્સીઓ દ્વારા ચકાસણી થઈ ચૂકી છે, પરંતુ ગામના પીવાના પાણી કે ન્હાવાધોવાના પાણીમાં કોઈ એવી વિશેષ ધાતુ વધારે પ્રમાણમાં હોવાનું કે બીજું કોઈ અસામાન્ય રાસાયણિક બંધારણ જોવા મળ્યું નથી. પાણીમાં આર્સેનિક, સીસું કે કેડમિયમ જેવી ભારે ધાતુ પણ બહુ વિશેષ પ્રમાણમાં જણાઈ નથી.
પ્રારંભે ફંગલ ઈન્ફેક્શનની આશંકા વ્યક્ત કરાતી હતી પરંતુ તબીબોની ટીમોએ તપાસ બાદ કહ્યું છે કે આ ફંગલ ઈન્ફેક્શન પણ નથી. તેના કારણે હવે ગ્રામજનોની ચિંતા વધી ગઈ છે. લોકોના જણાવ્યા અનુસાર પહેલાં તેમને માથાં પર ખંજવાળ આવે છે, બાદમાં ખંજવાળ કરવા જતાં હાથમાં સીધા વાળના ગુચ્છા જ આવી જાય છે. હવે આ બીમારી બે-ત્રણ ગામ પૂરતી મર્યાદિત નથી. શેગાંવ તથા આસપાસના બોડગાંવ, કલાવડ, હિંગના જેવાં 11 ગામોના લોકો સુધી આ બીમારી પ્રસરી છે. સરકારી ચોપડે નોંધાયેલા કેસો મુજબ કુલ 139 લોકો ટકલા થઈ ચૂક્યા છે.
અત્યાર સુધી આસપાસના જિલ્લાઓમાંથી આરોગ્ય નિષ્ણાતો સહિતના તજજ્ઞોની ટીમ આવી ચૂકી છે. આ પ્રદેશના આગેવાનોએ મહારાષ્ટ્ર સરકારને આ બીમારી ઓળખીને તેની સારવાર માટે મદદ કરવા ધા નાખી છે. લોકોના જણાવ્યા અનુસાર જેમના વાળ ખરી ગયા છે તેમને હવે ધીમે ધીમે નવા વાળ આવી રહ્યા છે પરંતુ તેની સામે વધુને વધુ લોકોના વાળ ખરી રહ્યા છે તે પણ હકીકત છે. હવે સહુની નજર દિલ્હીથી આવનારી આઈસીએમઆર ટીમની તપાસના તારણ પર છે.