પર્વતારોહણ કરતાં પ્રેમમાં પડેલા કોલ્હાપુરના જયદીપ જાધવ અને પાડળીની રેશ્મા પાટિલે કાંઈક અનોખી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું. બંને પર્વતપ્રેમીઓએ બે પર્વત વચ્ચેની હજારો ફૂટ ઊંડી ખાઈની વચ્ચે હવામાં લટકતાં લટકતાં (ઝિપ લાઈન) લગ્ન કરવાનું નક્કી કર્યું. આને પગલે પાવન ખિંડીના જખલાઈ કડા ખાતે બે દિવસ સુધી તો લગ્નમંડપ બાંધવાની તૈયારીઓ થઈ હતી.
ઝિપ લાઈનની દોરીઓ બરાબર કસવામાં આવી. લગ્ન માટે પણ એવા જ ગોરબાપા બોલાવવામાં આવ્યા જે દંપતી સાથે હજારો ફૂટની ખાઈ પર લટકીને લગ્ન કરાવી શકે. ગોરબાપાએ બે પર્વત વચ્ચે દોરડા પર લટકીને મંત્રોચ્ચાર દ્વારા જયદીપ અને રેશ્માના શુભવિવાહ કરાવ્યા ત્યારે માંડવિયા અને જાનૈયાઓએ ખાઈના કિનારે ઊભા રહીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.