ગ્રીન વિલેઃ અમેરિકામાં એક વ્યક્તિએ રેસ્ટોરાંમાં પાણીની બે બોટલનો ઓર્ડર આપ્યો. તેના બદલામાં તેણે વેઇટ્રેસને ૧૦ હજાર ડોલરની ટિપ આપી. ગ્રીનવિલે સ્થિત રેસ્ટોરાંના માલિક બ્રેટ ઓલિવરિયોએ જણાવ્યું કે ગયા શનિવારે એક શખસ અહીં આવ્યો. તેણે પાણીની બે બોટલનો ઓર્ડર આપ્યો. આ બન્ને બોટલમાંથી તેણે થોડું થોડું પાણી પીધું. થોડી વાર પછી તે ટેબલ પર ૧૦ હજાર ડોલર છોડીને જતો રહ્યો. તેણે ટેબલ પર વેઇટ્રેસ માટે એક ચિઠ્ઠી મૂકી હતી, જેમાં લખ્યું હતું કે, ‘પાણી પીવડાવવા બદલ આભાર.’
બ્રેટે એમ પણ કહ્યું કે ટિપ આપનાર શખસ એક યૂટ્યુબર છે. રેસ્ટોરાંમાં જોબ કરતી સ્ટુડન્ટ ઇલિયાના પોસેસે તેને પાણીની બોટલ સર્વ કરી હતી.
ઇલિયાનાને મળેલી આ અત્યાર સુધીની સૌથી વધુ ટિપ છે. આ અગાઉ એક વેઇટરને ૫૦૦ ડોલરની ટિપ મળી હતી.
ઇલિયાનાએ જણાવ્યું કે ટિપ આપનારનું નામ જિમી ડોનલ્ડસન છે. સોશિયલ મીડિયા પર તે ‘મિસ્ટર બીસ્ટ’ના નામથી મશહૂર છે. ટેબલ છોડતાં પહેલા તેણે તેની યૂટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા કહ્યું હતું. ‘મિસ્ટર બીસ્ટ’ના યૂટ્યુબ પર ૯૦ લાખથી વધુ સબસ્ક્રાઇબર છે.