નવી દિલ્હી: ભારતના અગ્રણી ડિફેન્સ રિસર્ચ ઇન્સ્ટિટયુટ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ માત્ર 45 દિવસમાં સાત માળનું બિલ્ડીંગ બનાવીને ઇતિહાસ રચ્યો છે. તેણે બેંગ્લૂરુમાં એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ માટે બનાવેલી આ ઇમારતમાં ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ (એફસીએસ) વિકસાવવાની કામગીરી થશે. ઇન-હાઉસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવાયેલી આ સાત માળની બિલ્ડિંગનો પ્લિન્થ એરિયા 1.3 લાખ ચોરસ ફૂટ છે.
આ ફેસિલિટીઝનો ઉપયોગ ઇંડિયન એરફોર્સ માટે ફિફ્થ જનરેશન મીડિયમ વેઇટ ડીપ પેનિટ્રેશન ફાઇટર જેટ વિકસાવવા માટે કરવામાં આવશે. સામાન્ય રીતે સરકારી કામમાં તુમારશાહી ચાલતી હોય છે, અને સરકારી બિલ્ડિંગો બનાવવામાં નિયત સમય કરતાં ઘણો વધારે સમય લાગતો હોય છે. ભારતમાં તો એક સમય એવો પણ હતો કે બિલ્ડિંગ બનતા સુધીમાં સરકાર બદલાઈ ગઈ હોય. આ બધાથી વિપરીત આ બિલ્ડિંગ ફક્ત 45 દિવસમાં બની ગયું છે.
આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓમાંથી એકે જણાવ્યું હતું કે ડીઆરડીઓએ પરંપરાગત, પ્રિ-એન્જિનિયર્ડ અને પ્રિ-કાસ્ટ મેથોડોલોજીથી બનેલી હાઇબ્રિડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફ્લાઇટ કન્ટ્રોલ સિસ્ટમ માટેનું આ સાત માળનું બિલ્ડિંગ ફક્ત 45 દિવસમાં બનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ કોમ્પ્લેક્સમાં ફાઇટર એરક્રાફ્ટ માટે એવિયોનિક્સ ફેસિલિટીઝ વિકસાવાશે. સાથે સાથે જ એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (એમસીએ) અને ફાઇટર એરક્રાફ્ટ માટે ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ વિકસાવવામાં આવશે.
ભારત સરકાર મહત્વાકાંક્ષી એમસીએ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જેના ભાગરૂપે એડવાન્સ્ડ સ્ટીલ્થ ફીચર્સ ધરાવતા ફિફ્થ જનરેશન મીડિયમ ફાઇટર જેટ વિકસાવવામાં આવશે. તેનાથી ભારતીય વાયુસેનાની મારક ક્ષમતામાં અનેકગણો વધારો થશે. આ પ્રોજેક્ટ માટે લગભગ 15,000 કરોડ રૂપિયાના પ્રારંભિક ખર્ચને મંજૂરી આપી હોવાનો અંદાજ છે.