બેન્ડ-બાજા ઔર બારાતઃ સાસરિયામાં ત્રાસ ભોગવતી પુત્રીને પિતા વાજતેગાજતે ઘરે પરત લઇ આવ્યા

Monday 23rd October 2023 11:07 EDT
 
 

રાંચી: આજકાલ સોશિયલ મીડિયામાં રાંચીમાં નીકળેલો લગ્નનો વરઘોડો ચર્ચામાં છે. અને કેમ ન હોય? કારણ કે આ ‘વરઘોડો’ દીકરીને સાસરિયે વિદાય માટે નહીં, પરંતુ પિયરે પરત લાવવા માટે નીકળ્યો હતો. આ ઘટનામાં જાણવા મળે છે તેમ પરિણીત યુવતીને તેના સાસરિયા દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપીને હેરાન કરાતી હોવાથી તેના પિતાએ આ પગલું ભર્યું હતું.
પ્રેમ ગુપ્તાએ સોમવારે પોતાના ફેસબુક એકાઉન્ટ પર 15 ઓકટોબરે નીકળેલા આ લગ્નના વરઘોડાનો વીડિયો પોસ્ટ કરતાં લખ્યું હતુંઃ લોકો પોતાની દીકરીના લગ્ન તેની સુખ-સમૃદ્ધિના અરમાનો સાથે ધામધૂમથી કરે છે, પરંતુ જો જીવનસાથી અને પરિવાર ખોટા નીકળે અથવા ખોટું કામ કરે તો તમારે તમારી દીકરીને પૂરા આદર અને સન્માન સાથે તમારા ઘરે પાછી લાવવી જોઈએ કારણ કે દીકરીઓ અમૂલ્ય હોય છે.
રાંચીના કૈલાશ નગર કુમ્હારટોલીના રહેવાસી એવા સાહસી પિતા પ્રેમ ગુપ્તા કહે છે કે 28 એપ્રિલ, 2922 ના રોજ તેમણે મોટા અરમાનો અને ધામધૂમ સાથે વ્હાલસોયી દીકરી સાક્ષીના લગ્ન સચિન કુમાર નામના યુવક સાથે કર્યા હતા. તે ઝારખંડ વિદ્યુત વિતરણ નિગમમાં સહાયક એન્જિનિયર તરીકે કામ કરે છે.
પિતાનો આરોપ છે કે થોડા દિવસોમાં જ દીકરીને સાસરિયાંમાં હેરાન કરવાનું શરૂ થઈ ગયું. અવારનવાર તેનો પતિ તેને ઘરમાંથી કાઢી મૂકતો. લગભગ એક વર્ષ પછી સાક્ષીને ખબર પડી કે જે વ્યકિત સાથે તેના લગ્ન થયા હતા તે વ્યકિત બે વાર લગ્ન કરી ચૂકયો છે. આ સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સાક્ષી કહે છે કે, ‘આ બધું જાણ્યા પછી પણ મેં હિંમત ન હારી અને કોઈક રીતે સંબંધ બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ, જ્યારે મને લાગ્યું કે શોષણ અને ઉત્પીડનના કારણે તેની સાથે રહેવું મુશ્કેલ છે, ત્યારે સંબંધોની કેદમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું.’ પિતા અને માતાના પરિવારે પણ સાક્ષીના નિર્ણયને માન્ય રાખ્યો અને તેના સાસરિયાના ઘરેથી બેન્ડ-વાજા અને ફટાકડા સાથે વરઘોડો કાઢ્યો અને તેને તેના મામાના ઘરે પરત લાવવામાં આવી હતી.
પ્રેમ ગુપ્તાનું કહેવું છે કે તેમની પુત્રી શોષણથી મુકત થઇ હોવાની ખુશીમાં તેમણે આ પગલું ભર્યું હતું. સાક્ષીએ છૂટાછેડા માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે, અને ટૂંક સમયમાં છૂટાછેડાને કાયદાકીય મંજૂરી મળી જવાની અપેક્ષા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter