બેંગ્લૂરુઃ કર્ણાટકમાં ટુરિઝમને વેગ આપવાના આશયથી રાજ્યમાં જેલ ટુરિઝમનો પ્રયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉત્તર કર્ણાટકના બેલગામ (નવું નામ બેલગાવી)ની હાઈ-સિક્યોરિટી સેન્ટ્રલ જેલમાં ૫૦૦ રૂપિયામાં એક દિવસ ટુરિસ્ટને જેલમાં રાખવામાં આવશે. આ રીતે જેલનું અંદરનું જીવન કેવું છે તેનો અનુભવ મેળવી શકાશે. અલબત્ત, ટુરિસ્ટને હાથકડી પહેરાવવામાં નહીં આવે, પણ માત્ર જેલની કોટડીમાં રખાશે. મુલાકાતીને અન્ય કેદીઓને જેમ જ રાખવામાં આવશે. કેદીનો ગણવેશ અને નંબર પણ અપાશે. મુલાકાતીના એક દિવસના જેલ જીવનની શરૂઆત વહેલી સવારે સાયરન વાગવાની સાથે થશે.
સવારે પાંચ વાગ્યે જેલનો સંત્રી મુલાકાતીને જગાડશે ત્યાર પછી તેણે પોતાની કોટડી સાફ કરીને અન્ય કેદીઓ સાથે ચા-નાસ્તો કરવાના રહેશે. આ પછી વ્યક્તિ બાગકામ, સફાઈકામ અને રસોઈ જેવા જેલના કાર્યોમાં લાગી જશે. ૧૧ વાગ્યે લંચ ટાઈમ પડશે ત્યારે બીજા કેદી સાથે બેસી સાંભાર-ભાતનું ભોજન લેશે. સાંજે સાત વાગ્યે ડીનર પીરસાશે ત્યારે પછી પોતાની શેતરંજી લઈને કોટડીમાં જઈને સૂઈ જવાનું એટલે સંત્રી બહારથી કોટડીને તાળું મારી દેશે.