બૈજિંગઃ જાહેર વિમાની સેવામાં ભાગ્યે જ જોવા મળતી ઘટના ચીનમાં બહાર આવી છે. એક વિશાળ બોઈંગ-૭૩૭ વિમાન એક માત્ર મુસાફરને લઈને ઉડયું હતું. મોટર કંપનીની મહિલા કર્મચારીએ આ અંગે સોશ્યલ મીડિયામાં ખુશી વ્યક્ત કરીને પોતાને ભાગ્યશાળી ગણાવી હતી.
ઝેંગ નામની મોટર કંપનીમાં કામ કરતી મહિલાએ વુહાનથી ગુઆંગ્જો જતાં વ્યાવસાયિક બોઈંગ-૭૩૭ વિમાનમાં ૧૨૦૦ યેનમાં એટલે કે લગભગ ૧૨૫ પાઉન્ડમાં ટીકિટ ખરીદી હતી. એ દિવસે બીજી ફ્લાઇટ્સનું ટાઇમટેબલ ખોરવાયું હતું અને બૂક હોવા છતાં કનેક્ટીંગ ફ્લાઇટ ધરાવતા પ્રવાસીઓ એરપોર્ટ પહોંચી શક્યા નહોતા. કેટલાક પ્રવાસીઓ ટિકિટ કેન્સલ કરાવી હતી.
સામાન્ય રીતે એક મુસાફર માટે ક્યારેય ફ્લાઇટ ઉડતી નથી હોતી. એમાં પણ વિશાળ બોઈંગ-૭૩૭ જેવું વિમાન તો ભાગ્યે જ આવી ઉડાન ભરે છે કારણ કે એક જ મુસાફર માટે ફ્લાઇટ ઓપરેટ કરવાનો સોદો કોઈ પણ કંપની માટે ક્યારેય લાભકારક હોતો નથી. જોકે એરલાઇન્સે આશ્વર્યજનક રીતે માત્ર એક મુસાફર સાથે ફ્લાઇટને રવાના કરવાનો નિર્ણય જાહેર કર્યો અને એ સાથે જ એક માત્ર મુસાફર ઝેંગને લઈને વિમાન ઉડયું. આ સાથે જ સમગ્ર વિમાનમાં એક જ મુસાફર હોય એવી વિરલ ઘટના બની હતી.