જકાર્તાઃ ઈન્ડોનેશિયામાં ૧૩ વર્ષના મોહમ્મદ રેહાનને વેયરલૂક સિન્ડ્રોમ નામની એક જિનેટીક બિમારી લાગુ પડી છે. જેના કારણે તેના હોઠ તથા મોંના સ્નાયુઓમાં ફેરફાર થવાથી ચહેરો હનુમાનજી જેવો ફૂલેલો લાગે છે. આ ઉપરાંત આખા શરીરે ૩થી ૪ ઈંચ જેટલા વાળ ઊગી નીકળ્યા છે. ખાસ કરીને છાતી અને પીઠના ભાગમાં વધુ ઘાટા વાળ જોવા મળે છે. બાળકના આ દેખાવના આધારે લોકો તેને હનુમાનજીનો અવતાર માનીને તેની પૂજા કરી રહ્યા છે.
તબીબી નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જીન્સમાં પરિવર્તન થવાથી થતો આ રોગ લાખોમાં એકાદ વ્યક્તિમાં જ જોવા મળે છે. ૧૦ મહિના પહેલાં પતિનું અવસાન થવાથી બાળકની માતા તેની ચાર બહેનો સાથે રહે છે. રેહાનના સ્વ. પિતાનું શરીર પણ વાળનું પ્રમાણ ઘણું વધારે હતું. પિતાની માફક રેહાને પણ કુદરતે આપેલા શરીરથી ખુશ રહેવાનું શીખી લીધું છે. પરંતુ દૂર દૂરના ગામોમાંથી આવતા લોકો આ બાળકને હનુમાજીનો અવતાર સમજીને પગે લાગી આશીર્વાદ મેળવે છે. કેટલાક તો તેને ઘરે પધારવાનું આમંત્રણ પણ આપે છે.
આ બાળક ઈન્ડોનેશિયાના નોર્ધર્ન કાલીમંતન્ વિસ્તારમાં આવેલા મમબુરંગ ગામમાં રહે છે. જે બોર્નિયો ટાપુ પર આવેલું છે. આ બાળકને હનુમાનજી જેવું સન્માન મળવા લાગ્યું હોવાથી ઈન્ડોનેશિયામાં ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે. ઘણા લોકો આ બાળક વિશિષ્ટ શક્તિઓ ધરાવતો હોવાનું પણ માને છે. શરીરમાં ઊગી નીકળતા બિનજરૂરી વાળની ટ્રીટમેન્ટ નબળી આર્થિક પરિસ્થિતિને લીધે માતાએ મુલત્વી રાખી છે. જોકે રેહાન પણ વિચિત્ર બીમારીથી કોઈ પણ તકલીફ અનુભવતો નથી.
રેહાનના સગાં-સંબંધીઓ પણ તેને ઇશ્વરીય ભેટ સમજીને ઈલાજની ના પાડે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ બાળક માટે તેની બીમારી જ જાણે કે વરદાનરૂપ બની ગઈ છે.