લંડનઃ જિનેટિક બીમારીને કારણે શરીરની ઊંચાઇ વધી ન શકી હોય એવા ઠીંગુજીઓને કોઈ પણ પ્રોફેશનમાં આગવી પ્રતિભા બનાવવી હોય તો બહુ મહેનત કરવી પડે છે. જોકે હાડકાંનો વિકાસ અટકી ગયો હોવાથી ચાર ફૂટ અને દસ ઈંચની હાઇટ પર જ અટકી ગયેલા બ્રિટનમાં રહેતા ૨૧ વર્ષના ચૂન તાન નામના યુવકે ઓછી હાઇટ હોવા છતાં બોડી બિલ્ડિંગ ક્ષેત્રે જબરું કાઠું કાઢ્યું છે.
ઓછી હાઇટને કારણે ઠેર ઠેર ચૂન તાનની મજાક ઊડતી હતી એને કારણે તે લઘુતાગ્રંથિનો શિકાર પણ બન્યો. જોકે નોર્થમ્બ્રિયા યુનિવર્સિટીમાં ભણતા ચૂન તાને આત્મવિશ્વાસ વધારવા માટે બોડી બિલ્ડિંગ કરવાનું નક્કી કર્યું અને આ અઘરું લક્ષ્ય હાંસલ પણ કરી દેખાડ્યું. અઠવાડિયામાં પાંચ દિવસ કડક તાલીમ અને ડાયટમાં ધરમૂળથી પરિવર્તનો કરીને તેણે સિક્સ-પેક એબ્સ બનાવ્યાં છે.
શરીરના દેખાવમાં આવેલા પરિવર્તને તેને માનસિક રીતે પણ વધુ મજબૂત બનાવ્યો છે. હવે તે બ્રિટનની બોડી બિલ્ડિંગ એન્ડ ફિટનેસ ફેડરેશન કોમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યો છે. ચૂન તાન બ્રિટનમાં તે કદાચ સૌથી ઠીંગણો બોડી બિલ્ડર હોવાનું મનાય છે.