બેઇજિંગ: તમને સાંભળીને નવાઈ લાગશે કે ચીનમાં બ્રેક અપ કે છૂટાછેડા થયા પછીનો તણાવ દૂર કરવા માટે લોકોએ નવો જ રસ્તો અપનાવ્યો છે. છૂટાછેડાના ટેન્શનથી મુક્તિ મેળવવા માટે દક્ષિણ પશ્ચિમ ચીનના એક શહેરમાં કબરમાં સૂઈને લોકો પોતાનો તણાવ દૂર કરતા હોય એવું ચલણ વધી રહ્યું છે! આને ગ્રેવયાર્ડ મેડિટેશન કહેવાય છે.
પોતાના તણાવમાંથી મુક્તિ મેળવવા માટે ચોક્કસ વિસ્તારની ફાળવણી કરી આપવામાં આવે છે. જે વ્યક્તિ તણાવમાં હોય તેણે આ વિસ્તારમાં જઈને જાતે કોદાળી-પાવડો લઈને પોતાની કબર ખોદવાની હોય છે. કબર ખોદી લીધા બાદ તેના પર પ્લાસ્ટિકની ચાદર બિછાવવાની હોય છે. એ ચાદર બિછાવી લીધા બાદ તેમાં બેસીને વ્યક્તિ પોક મૂકીને રડી શકે છે. રડવાને કારણે તેનું દર્દ દૂર થઈ જાય છે. વળી, પ્લાસ્ટિકનું પાથરણું પાથરીને તમે કબરમાં સૂઈને પણ રડી શકો છો. તમે કબરમાં ધ્યાન પણ ધરી શકો છો.
આ અજીબ ધ્યાન ધરવાની પદ્ધતિની શરૂઆત ચાંગકિંગ શહેરની ૩૦ વર્ષની મહિલા લિયુ તાઇજીએ કરી છે. તે તેના પતિથી અલગ થઈ એ પછી તે છુટાછેડા પછી આવતા તણાવથી લોકોને બચાવવા માટે કામ કરી રહી છે. તાઈજીના મતે બ્રેકઅપ પછીનો ગાળો કેટલીક વખત મહિલાઓને આત્મહત્યા સુધી દોરી હોય છે. તેમના મતે આ ઉપાયથી મહિલાઓ મૃત્યુ પામ્યાનો અહેસાસ કરે છે અને તેથી તે એ એવું વિચારતી થાય છે કે હજી તેણે જિંદગીમાં ઘણું કરવાનું બાકી છે.
જિંદગીમાં બદલાવ
તાઈજી કહે છે કે, તે પોતાની વિદ્યાર્થિનીઓને વીતેલી જિંદગી ભુલાવીને પોતાનાં સપનાં પૂરા કરવા કહે છે. તાઇજીના ૧૯ વર્ષની વયે લગ્ન થઈ ગયા હતા. જ્યારે તે ૨૧ વર્ષની હતી ત્યારે એક સંતાનની માતા પણ બની ગઈ હતી. વર્ષ ૨૦૧૪માં તેના છૂટાછેડા થઈ ગયા. એ સમય તેના જીવનનો સૌથી કપરો સમય હતો. કેટલીક વાર તો તે ડિપ્રેશનમાં સરી પડતી હતી. તેણે આત્મહત્યા કરી લેવા માટે પણ વિચાર્યું હતું, પરંતુ તરત જ તેણે પોતાની જાતને એ તણાવથી દૂર કરી હતી અને બીજી મહિલાઓને છૂટાછેડા બાદ જે સમસ્યા અનુભવે છે, તેનાથી તેને મુક્ત કરાવવા માટે કામ કરવા માંડી હતી. હવે કેટલીય મહિલાઓ તેની પાસેથી ધ્યાન કરવાની આ નવતર ક્રિયા શીખી રહી છે અને જીવનમાં નવી શરૂઆત કરી રહી છે.
તમને સાંભળીને નવાઈ લાગશે કે ચીનમાં બ્રેક અપ કે છૂટાછેડા થયા પછીનો તણાવ દૂર કરવા માટે લોકોએ નવો જ રસ્તો અપનાવ્યો છે. છૂટાછેડાના ટેન્શનથી મુક્તિ મેળવવા માટે દક્ષિણ પશ્ચિમ ચીનના એક શહેરમાં કબરમાં સૂઈને લોકો પોતાનો તણાવ દૂર કરતા હોય એવું ચલણ વધી રહ્યું છે! આને ગ્રેવયાર્ડ મેડિટેશન કહેવાય છે.