મુંબઈઃ મહાનગરના સબર્બ અંધેરી ઈસ્ટમાંથી કાળજું કંપાવતા સમાચાર મળ્યા છે. નવમા ધોરણમાં ભણતા ૧૪ વર્ષના મનપ્રીતે ૬ માળની ઈમારતની છત પરથી કૂદીને આપઘાત કરી લીધો. કારણ? તે બ્લૂ વ્હેલ ચેલેન્જ ઝીલીને ચેમ્પિયન બનવા માગતો હતો!
વિશ્વભરમાં તરખાટ મચાવી દેનારી આ એક એવી ખતરનાક વીડિયો ગેમ છે જેમાં કુલ ૫૦ લેવલ હોય છે, અને અંતિમ લેવલમાં સ્પર્ધકે છત પરથી કૂદીને પોતાનો જીવ આપી દેવાનો હોય છે. મનપ્રીતે આ રમતના ભાગરૂપે જ છત પરથી કૂદીને જીવ આપી દીધો. તે ગેમ જીતી તો ગયો, પણ જિંદગી હારી ગયો.
કોઇ વ્યક્તિએ બ્લૂ વ્હેલ વીડિયો ગેમમાં જીવ આપ્યાનો ભારતમાં આ પ્રથમ કિસ્સો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ લોકોનો જીવ લઇ ચૂકેલી આ વીડિયો ગેમ આગામી દિવસોમાં બ્રિટનમાં લોન્ચ થઇ રહી છે.
ભારતની પ્રથમ ઘટના
ઘટના ૨૯ જુલાઇ, ગયા શનિવારની છે. મનપ્રીતના મિત્રો કહે છે કે ઘટના ઈન્ટરનેટ ગેમનું પરિણામ છે. છત પરથી કૂદતા પહેલાં તે બ્લૂ વ્હેલ ચેલેન્જ ગેમ રમી રહ્યો હતો. ગેમમાં કુલ ૫૦ લેવલ હોય છે. છત પરથી કૂદી પડવું ગેમનું ૫૦મું લેવલ હતું. ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ નથી મળી, પરંતુ પોલીસે જણાવ્યું કે તેણે છત પર સ્માર્ટફોનથી કેટલાક ફોટા પાડી મિત્રોને મોકલ્યા હતા. ગૂગલ પર સ્યુસાઈડની રીતો પણ સર્ચ કરી હતી.
મનપ્રીતના પરિજનોએ જણાવ્યું કે તેને ક્યારેય ડિપ્રેશનમાં નથી જોયો. મોત પહેલાં તે તેના મિત્રોને કહી રહ્યો હતો કે તે જલદી રશિયા જવાનો છે. ત્યાં એક સિક્રેટ ગ્રૂપ છે જેની સાથે તે ગેમ રમી રહ્યો છે.
૨૦૦ જણાએ જીવ આપ્યા
અત્યાર સુધી આ ગેમ રમનારા ૨૦૦ લોકો આપઘાત કરી ચૂક્યા છે. એકલા રશિયામાં જ ૧૩૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતમાં આ પ્રથમ કિસ્સો છે. પાકિસ્તાન, અમેરિકા સહિત ૧૯ દેશોમાં ગેમને લીધે આપઘાત કે તેના પ્રયાસોની અનેક ઘટનાઓ સામે આવી છે.
ગેમ બનાવનાર જેલમાં
રશિયામાં ગેમથી આપઘાતનો પ્રથમ કેસ ૨૦૧૫માં નોંધાયો હતો. તેના બાદ ગેમમેકર ફિલિપને જેલ મોકલી દેવાયો હતો. તેનું કહેવું છે કે આ વીડિયો ગેમ સમાજની સફાઈ માટે છે. આપઘાત કરનારા બાયોલોજિકલ વેસ્ટ હતા.
બ્રિટનમાં લોન્ચની તૈયારી
ગેમ અત્યાર સુધી વિશ્વમં ક્યાંય પણ પ્રતિબંધિત થઇ નથી. નજીકના ભવિષ્યમં આ ગેમ બ્રિટનમાં પણ લોન્ચ થવાની હોવાના અહેવાલ છે. અનેક સ્કૂલોએ બાળકોના માતા-પિતાને આ વીડિયો ગેમ અંગે ચેતવણી આપી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
ધી બ્લૂ વ્હેલ ગેમઃ ૫૦ સ્ટેજ, ૪ વખત છત પર જવું અને અંતિમ સ્ટેજમાં સ્યુસાઇડ
ધી બ્લૂ વ્હેલ ગેમ રશિયાના ૨૫ વર્ષીય યુવા ફિલિપ બુડેકિને ૨૦૧૩માં બનાવી હતી. તેમાં યુઝરને ૫૦ દિવસ સુધી ટાસ્ક બતાવાય છે. સૌપ્રથમ હાથ પર બ્લેડથી F57 કોતરીને મોકલવા માટે કહેવાય છે. સવાર ૪.૨૦ વાગ્યે ઊઠીને હોરર વીડિયો કે ફિલ્મ જોવાનું કહેવાય છે. સવારે ઊંચામાં ઊંચી છત પર પહોંચવા કહેવાય છે. દરેક ટાસ્ક પૂર્ણ થતાં હાથ પર બ્લેડ વડે એક કાપો મારવાનું કહેવાય છે. અંતે હાથ પર વ્હેલની આકૃતિ બની જાય છે. ગેમના ફાઇનલ રાઉન્ડમાં ૫૦મા દિવસે પ્લેયરને જીવ આપીને વિજેતા બનવાની ચેલેન્જ અપાય છે.