ગૌહાટી: કૃષિપ્રધાન દેશ ભારતમાં સારું ચોમાસું આગવું મહત્ત્વ ધરાવે છે તે સમજી શકાય તેવું છે. સિંચાઈ માટે બોર, કૂવા અને નહેરની સુવિધા હોય તો પણ ચોમાસાના વરસાદ વિના ખેતીનો બેડો પાર થતો નથી. અને વરસાદ સારો થાય એ માટે ગ્રામીણ સમાજમાં અનેક માન્યતાઓ અને વિધિઓ જોવા મળે છે. આવી જ એક પરંપરા છે દેડકા-દેડકીના લગ્ન કરાવવાની. આસામના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ માટે દેડકા અને દેડકીના લગ્ન કરાવવાની પરંપરા જોવા મળે છે, જે ભારતની સૌથી જૂની પ્રાચીન પ્રથા હોવાનું મનાય છે. લોકમાન્યતા અનુસાર ભરપૂર મેઘમહેર માટે ખુદ ઈન્દ્રદેવે આ વિધિ જણાવી હતી.
આજે પણ લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે દેડકા-દેડકીના લગ્ન કરવાથી ઈન્દ્ર રાજા ખુશ થાય છે. આસામી ભાષામાં તેને બેખુલી બ્યાહ કહેવામાં આવે છે. બેખૂલીનો મતલબ દેડકો અને બ્યાહ એટલે લગ્ન. વરસાદની સિઝનમાં જ નર - માદા દેડકીનું મિલન થાય છે. દેડકો પ્રસન્ન થઈને ઈન્દ્રરાજાને વરસાદની વિનંતી કરે એ પછી જ વરસાદનું આગમન થાય છે.
આ અનોખ લગ્નમાં પરંપરા મુજબ દેડકા અને દેડકીને સ્નાન કરાવવામાં આવે છે. લગ્નવિધિ સમયે દેડકા - દેડકી પર લાલ રંગનું કપડું ઓઢાડવામાં આવે છે, જે તેના વિવાહનું પ્રતિક ગણાય છે. માદા દેડકાના ગળામાં હાર પહેરાવાય છે. ગોર મહારાજ દ્વારા લગ્નની વિધિથી માંડીને સમગ્ર કાર્યક્રમ ૩થી ૪ કલાક સુધી ચાલે છે.
લગ્ન થયા પછી આ નવવિવાહિત જોડાને પાણીમાં છોડવામાં આવે છે ત્યારે મહિલાઓ મંગળ ગીતો ગાય છે. લોકો રાત્રે ભોજન સમારંભ, લોકસંગીત અને નૃત્યનો આનંદ માણે છે. ગ્રામજનો ભેગા મળી આ લગ્નનો ખર્ચ ઉઠાવે છે.
આસામ ઉપરાંત ત્રિપુરા અને મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારોમાં પણ સારા ચોમાસા માટે દેડકા-દેડકીના લગ્ન કરાવવાની પરંપરા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અતિવૃષ્ટિ થતાં દેડકા-દેડકીના લગ્ન-વિચ્છેદના કાર્યક્રમો પણ યોજાયા હતા. આમ ગ્રામીણ ભારતમાં આજે પણ વિશિષ્ટ પરંપરાઓ અને માન્યતાઓ જોવા મળે છે.