આગ્રાઃ ભારતીય એરફોર્સે તાજેતરમાં ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે ભીષ્મ પોર્ટેબલ હોસ્પિટલનું એરડ્રોપ પરીક્ષણ કર્યું હતું. પ્રોજેક્ટ ભીષ્મનો હેતુ કુદરતી કે માનવસર્જિત કટોકટીના સમય દરમિયાન ખૂબ જ ઝડપી અને વ્યાપક તબીબી સહાય પૂરી પાડવાનો છે. આ પોર્ટેબલ ક્યુબ્સ 200 જેટલા દર્દીઓને તબીબી સહાયતા પૂરી પાડી શકે છે. ભીષ્મ પોર્ટેબલ હોસ્પિટલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સ જેવી આધુનિક ટેકનોલોજીનો સમાવેશ કરાયો છે. એરડ્રોપ કરવા માટે બનાવાયેલી આ હોસ્પિટલ ટકાઉ, વોટરપ્રૂફ અને હળવા વજનની છે. માત્ર 12 મિનિટમાં હોસ્પિટલનું સેટઅપ થઈ જાય છે. એક કન્ટેનર સ્વરૂપની આ હોસ્પિટલમાં આવશ્યક સારવાર માટે જરૂરી દવાઓથી માંડીને તબીબી સાધનસામગ્રી અને જરૂરતમંદ લોકો માટે ફૂડપેકેટ્સનો જથ્થો પણ હોય છે.