કોટાઃ કોચિંગ સિટીના નામથી જાણીતા કોટા શહેરે હવે એક બીજી આગવી ઓળખ મેળવી છે. રાજસ્થાનમાં આવેલું કોટા દેશનું પ્રથમ અને વિશ્વનું એવું બીજું શહેર છે કે જ્યાં હવે એક પણ ટ્રાફિક સિગ્નલ નથી. ભુતાનની રાજધાની થિમ્પુ પણ ટ્રાફિક સિગ્નલમુક્ત શહેર છે. થોડાક વર્ષો અગાઉ કોટામાં ઠેર ઠેર ભારે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાતા હતા. આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે યુઆઈટીએ નાના-નાના ડાઇવર્ઝન બનાવ્યા અને માર્ગો પહોળા કર્યા. સાથે સાથે જ રૂટ એવી રીતે નક્કી કર્યા કે ટ્રાફિક લાઇટની જરૂર જ ના પડે. જોકે શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે પણ તેના માટે હવે જે તે માર્ગોને પહોળા કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક લાઇટ વગરનું કોટા શહેર ખરેખર સુંદર દેખાય છે.