નવી દિલ્હી: સરિયલ મીડિયા લેબ્સ (SML) 3AI હોલ્ડિંગ લિમિટેડ દ્વારા ભારતનું પ્રથમ સ્વદેશી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત જનરેટિવ AI ટૂલ ‘હનુમાન’ લોન્ચ કરાયું છે. મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇઆઇટી-મુંબઇ સહિત દેશના આઠ ટોચના શિક્ષણ સંસ્થાનોએ સાથે મળીને આ AI ટૂલ વિકસાવ્યું છે.
અન્ય જનરેટિવ AI ટૂલની માફક હનુમાન પણ લોકોનાં સવાલોનો જવાબ આપે છે અને તેની સાથે વાર્તાલાપ થઈ શકે છે. તેમાં અનેક ભાષામાં અનુવાદ કરી શકાય છે અને ઘણાં ટેકનિકલ કામો પણ થઈ શકે છે. આ તમામ યુઝર્સ માટે સંદતર નિઃશુલ્ક છે. એસએમએલ ઇંડિયાના સહ-સ્થાપક અને સીઇઓ વિષ્ણુ વર્ધને કહ્યું હતું કે હનુમાન એ ભારતમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે શરૂ થયેલા નવા યુગનું પ્રતીક છે. પહેલા જ વર્ષમાં 200 મિલિયન યુઝર્સ સુધી પહોંચવાનું અમારું લક્ષ્ય છે.
ભારતની ભાષાકીય અને સાંસ્કૃતિક બહુવિધતાને ધ્યાનમાં રાખીને વિકસાવાયેલા આ બહુભાષી AI ટૂલને સૌપ્રથમ 21 ફેબ્રુઆરીનાં રોજ મુંબઈમાં પ્રદર્શિત કરાયું હતું. જેમાં એક બાઇક મિકેનિકને એક મોડેલ સાથે તમિલમાં સવાલ પૂછતો બતાવવામાં આવ્યો હતો જયારે એક બેંકરને એઆઇ બોટ સાથે હિન્દીમાં વાત કરતો બતાવવામાં આવ્યો હતો. આ સાથે જ એક ડેવલપરે એક મોડેલની મદદથી કોમ્પ્યુટરકોડ પણ લખ્યો હતો.
ભારતનું આ પ્રથમ દેશી જનરેટિવ AI પ્લેટફોર્મ છે, જે દુનિયાની 98 ભાષાઓને સપોર્ટ કરે છે અને તેમાં 12 ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે. ભારતીય ભાષાઓમાં હિન્દી, મરાઠી, ગુજરાતી, બંગાળી, કન્નડ, ઉડિયા, પંજાબી, આસામી, તમિલ, તેલુગુ, મલયાલમ અને સિંધીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હનુમાન ઇંગ્લીશ, સ્પેનિશ, ઇટાલિયન, જર્મન, જાપાનીઝ, કોરિયન સહિત વિશ્વની 80 અન્ય ભાષાઓમાં સેવા આપશે.
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એક્સ ઉપર પોતાના અધિકૃત હેન્ડલ ઉપરથી પોસ્ટ કરીને આ AI પ્લેટફોર્મના લોન્ચિંગની ઘોષણા કરાઇ છે. દુનિયાની 98 ભાષા સમજતા હનુમાન AI ટૂલથી વિભિન્ન પ્રકારની સામગ્રી તૈયાર કરી શકાય છે. તેની મદદથી કવિતાથી લઈને સોફ્ટવેરનાં કોડ અને સ્ક્રિપ્ટ પણ લખી શકાય છે.
હનુમાન AI મોડલ શાસન, આરોગ્ય, શિક્ષણ અને નાણાકીય સેવાઓ જેવા ચાર મહત્વપુર્ણ ક્ષેત્રોમાં સેવા આપશે. જો આ મોડેલ સફળ થશે તો તે એઆઇ ટેકનોલોજી વિકસાવવાની રેસમાં ભારતનો માર્ગ મોકળો કરશે. ગત વર્ષ એક ઇવેન્ટ દરમિયાન રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન મુકેશ અંબાણીએ આઇઆઇટી-મુંબઇ સાથે એક પ્રોજેકટ પર વર્ષ 2014થી કામ કરી રહ્યા હોવાની જાણકારી આપી હતી.