નવી દિલ્હી: ખૂબ જ ઊંચાઈવાળા બરફના શિખરોની સુરક્ષા કરનારા સૈનિકો માટે સારા સમાચાર છે. સંરક્ષણ વિજ્ઞાનીઓએ દુનિયાનું પ્રથમ એવું રડાર વિકસિત કર્યું છે જે હિમપ્રપાતની પ્રવૃત્તિઓ શરૂ થતા જ ચેતવણી જાહેર કરશે. ડીઆરડીઓ હેઠળ કામ કરી રહેલા ડિફેન્સ જિયોઈન્ફર્મેટિક્સ રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ(ડીજીઆરઈ)ના વિજ્ઞાનીઓએ 25 વર્ષના ડેટાના આધારે હિમપ્રપાત રડાર ક્ષમતા પ્રાપ્ત કરી હતી. તેને ઉત્તર સિક્કિમમાં 15 હજાર ફૂટની ઊંચાઈએ સ્થાપિત કરાયું છે.
ડિફેન્સ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું કે ઉચ્ચ ક્ષમતાવાળું આ રડાર હિમપ્રપાતની પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખે છે. અંધારામાં પણ સજાગ રહે છે. વિજ્ઞાનીઓ મુજબ પૂર્વોત્તર હિમાલયના શિખર ગરમ અને ભેજવાળા થતા રહે છે જેનાથી હિમસ્ખલનનો ખતરો યથાવત્ રહે છે. એવામાં આ રડાર સૈનિકો અને સામાન્ય લોકોના જીવને બચાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આવા અનેક રડાર સિયાચિન ગ્લેશિયરથી લઈને સમગ્ર હિમાલયી ક્ષેત્રમાં સિક્કિમ-અરુણાચલ પ્રદેશ સુધી લગાવાશે.
રડાર ડીપ સ્કેનિંગ કરે છે
રડાર ટારગેટ શિખર પર શોર્ટ માઈક્રોવેવનો વરસાદ કરે છે. સાથે જ ડીપ સ્કેનિંગના માધ્યમથી શોધી કાઢે છે કે હિમપ્રપાતનો આકાર અને પથ શું હશે? એક રડાર 2 કિ.મી.ના એરિયામાં શિખરના સ્કેનિંગ માટે પર્યાપ્ત છે. રડાર એક એલાર્મ સિસ્ટમ સાથે જોડાયેલું રહે છે. તેમાં ઓટોમેટિક કન્ટ્રોલ તથા ચેતવણી સિસ્ટમ છે. તે ઉપરાંત આ રડારથી હિમપ્રપાતનો ફોટો અને વીડિયોગ્રાફીનું રેકોર્ડિંગ પણ થાય છે. ઉત્તરાખંડ જેવા બર્ફીલા વિસ્તારોમાં અનેકવાર હિમપ્રપાત થતા રહે છે. ગત અઠવાડિયે જ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા હિમપ્રપાતમાં 26 લોકો મૃત્યુ પામી ગયા હતા. જ્યારે 2016થી 2019 વચ્ચે આ પ્રકારના હિમસ્ખલનમાં 72 સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા.