બેંગલૂરુઃ કોફીનાં ઉત્પાદન અને નિકાસમાં એશિયામાં ત્રીજા ક્રમનું સ્થાન ધરાવતા ભારતમાં હવે વિશ્વની સૌથી મોંઘી કોફીનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. બિલાડીની અઘાર (પોટ્ટી, મળ)માંથી આ સૌથી મોંઘી કોફી બનાવાઇ રહી છે. કર્ણાટકના કૂર્ગમાં નાના પાયા પર તેનું ઉત્પાદન શરૂ કરી દેવાયું છે. સિવેટ કોફી કે લ્યુવાક કોફી તરીકે ઓળખાતી આ કોફી સૌથી મોંઘી હોવા પાછળનું કારણ તેની ઉત્પાદન માટેની અસાધારણ પદ્ધતિ છે.
સિવેટ કેટ અર્થાત્ જબાદી બિલાડીને કોફીના દાણા ખવડાવાય છે અને પછી તેના પાચન બાદ જે અઘાર (પોટ્ટી કે મળ) નીકળે છે તેને પ્રોસેસ કરીને આ કોફી બનાવાય છે. આ કોફી ખૂબ જ ન્યૂટ્રીશિયસ (પોષકતત્ત્વોથી ભરપૂર) મનાતી હોવાથી તે સૌથી મોંઘી છે. તેનાં ઉત્પાદનમાં ખાસ્સો ખર્ચ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન પણ ખાસ્સો વેસ્ટેજ જાય છે અને ગુણવત્તાયુક્ત કોફી બનાવવાની પ્રક્રિયા પાછળ થતાં સમગ્ર ખર્ચને ધ્યાનમાં લેતા તે સૌથી મોંઘી કોફી બને છે. ખાસ કરીને ગલ્ફના દેશો અને યુરોપના દેશોમાં સિવેટ કોફીનું ચલણ વધારે છે. ત્યાં આ કોફી કિલોગ્રામ દીઠ ૨૦,૦૦૦ રૂપિયાથી ૨૫,૦૦૦ રૂપિયાના ભાવે વેચાય છે.
કર્ણાટકમાં કૂર્ગ કોન્સોલિડેટેડ કોમોડિટીઝ (CCC)એ આ લક્ઝુરિયસ કોફીનું નાના પાયે ઉત્પાદન શરૂ કર્યું છે. આ સાથે જ તેણે એક કાફે પણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જ્યાં કોફીરસિકોને આ અનોખી કોફીનો ટેસ્ટ માણવા મળશે. સીસીસીના સ્થાપક પૈકી એક નરેન્દ્ર હેબરે કહ્યું હતું કે ‘શરૂઆતમાં અમે ૨૦ કિલો સિવેટ કોફી બનાવી હતી. ત્યારબાદ સ્ટાર્ટઅપ ફર્મ સ્થાપીને ૨૦૧૫-૧૬માં અમે ૬૦ કિલો કોફી બનાવી અને ગયા વર્ષે ૨૦૦ કિલો કોફી તૈયાર કરી હતી. આ વર્ષે ઓક્ટોબરથી અંદાજે ૫૦૦ કિલો ઉત્પાદન થવાની આશા આશા છે.’
હેબરે કહ્યું કે વિશ્વની આ સૌથી મોંઘી આ કોફી બનાવવા માટે જરૂરી બિલાડીનું અઘાર નજીકના વન વિસ્તારમાંથી મેળવવામાં આવે છે. આ વિસ્તારમાં કોફીના દાણા ખાવા માટે સિવેટ કેટ આવે છે અને તે કોફીના દાણામાંથી માત્ર તેનો બહારની તરફનો ભાગ જ ખાય છે. આખા દાણા ખાતી નથી. તે ખાધા પછી આ કોફી માટે જરૂરી અઘાર મળે છે, જેને પ્રોસેસ કરીને કોફી બનાવાય છે.