બેંગ્લૂરુઃ બ્રિટિશ કોલંબિયાની એક યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર નેમકુમાર બંથિઆ આજકાલ કર્ણાટકના થોન્ડેબાવી ગામમાં ડેરાતંબૂ તાણીને બેઠા છે. અહીં તેમણે આધુનિક ટેક્નોલોજીની મદદથી ગામ અને હાઇવેને જોડતા અનોખા માર્ગનું નિર્માણ કર્યું છે. બેંગલોરથી ૯૦ કિલોમીટરના અંતરે આવેલાં આ ગામને હાઇવે સાથે જોડતા માર્ગની વિશેષતા એ છે કે તે ભાંગતૂટ થાય તો આપમેળે સંધાય જાય છે. આ અનોખો સેલ્ફ રિપેરિંગ રોડ એક નિદર્શન પ્રોજેક્ટના ભાગરૂપે તૈયાર થયો છે.
આઈઆઈટી-દિલ્હીમાં ભણેલા બંથિયા ૩૪ વર્ષ પહેલાં કેનેડા જઇ વસ્યા છે. કેનેડા-ઇન્ડિયા રિસર્ચ સેન્ટર ફોર એક્સલન્સનાં નેજાં હેઠળ તેઓ આ પ્રોજેક્ટ પર કામ કરે છે. આ સંસ્થા સામુદાયિક સમસ્યાનાં સમાધાન શોધવાનું કામ કરે છે. ૨૦૧૪માં બંથિયાની ટીમે થોન્ડેબેલી ગામ પર પસંદગી ઉતારી હતી.
આ પછી ૨૦૧૫ના શિયાળામાં આધુનિક ટેક્નોલોજીથી માર્ગનું નિર્માણ શરૂ થયું અને હવે તેના ઊંચા તાપમાન અને વરસાદની અસરોનાં પરીક્ષણની કામગીરી ચાલી રહી છે.
પ્રોજેક્ટ સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારતના આ રસ્તાની જાડાઈ સામાન્ય પેવર રોડની સરખામણીએ ૬૦ ગણી ઓછી અર્થાત્ માંડ ૧૦૦ મિમી છે. આથી સામગ્રી પાછળનો ખર્ચ આપોઆપ ઘટી જાય છે. એટલું જ નહીં, માર્ગનિર્માણ માટે ૬૦ ટકા સિમેન્ટને સ્થાને ફ્લાયએશનો ઉપયોગ થયો છે. આમ તેનો ખર્ચ ઘટી જાય છે. આ ઉપરાંત તેની વિશેષતા એ છે રસ્તાની બનાવટમાં એવી સામગ્રીનો ઉપયોગ થયો છે જેથી તિરાડ પડે તો તે આપોઆપ સંધાય જાય. આ માટે ક્રોંકિટના સ્થાને ફાઇબરનો ઉપયોગ થયો છે. રસ્તા પર ફાઇબરનું નેનો કોટિંગ થયું છે, આ કોટિંગ હાઇ્ડ્રોફલિક છે. પરિણામે તેને પાણી મળતાં જ રસ્તા પરની તિરાડ આપોઆપો સંધાઇ જાય છે.