નવી દિલ્હી: આપણે સહુ જાણીએ છીએ કે ભારતીય પરિવારોમાં સોનું સમૃદ્ધિ અને પરંપરાનું પ્રતીક મનાય છે. આથી જ દેશના ઘરોમાં લગભગ 28 હજાર ટન સોનું છે. સરખામણી કરવી હોય તો કહી શકાય કે દેશના કાયદેસરના ગોલ્ડ રિઝર્વ 840.76 ટન કરતાં આ લગભગ 34 ગણું વધારે છે. દર વર્ષે ઘરોમાં સોનાનો આ ભંડાર વધતો જઈ રહ્યો છે. આ બાજુ છેલ્લી દિવાળીથી આ દિવાળી સુધીમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 18,400 એટલે કે 30.63 ટકા વધ્યો છે. આમ દેશના ઘરોમાં રહેલા સોનાની કિંમત રૂ. 168 લાખ કરોડથી વધીને રૂ. 229 લાખ કરોડ પર પહોંચી છે. સોનાનું મૂલ્ય એક વર્ષમાં રૂ. 52 લાખ કરોડ વધી ગયું છે.
ઈન્ડિયા ગોલ્ડ પોલિસી સેન્ટર અને આઈઆઈએમ-અમદાવાદના એક સરવે અનુસાર, ભારતીયો તેમના રોકાણના લગભગ 18 ટકા હિસ્સાનું સોનામાં કરે છે. એક અંદાજ મુજબ ગત 25 વર્ષમાં ભારતમાં લગભ 18 હજાર ટન સોનું આયાત કરાયું છે. આપણે દર વર્ષે સરેરાશ 750 ટન સોનું આયાત કરી રહ્યા છીએ. જેમાંથી દર વર્ષે 700 ટન કરતાં વધુ વપરાશ સોનાના આભૂષણોમાં થાય છે.
અમેરિકા-ચીન કરતાં પણ આગળ
અમેરિકા અને ચીનના લોકોના ઘરોમાં 24-24 હજાર ટન સોનું છે. જ્યારે ભારતીય ઘરોમાં તેમાં 28 હજાર ટન સોનું છે. દુનિયામાં ગોલ્ડ રિઝર્વ બાબતે બીજો સૌથી મોટો દેશ જર્મની છે. અહીં લોકો પાસે ઘરોમાં 9 હજાર ટન સોનું છે. ભારતીય ઘરોમાં આટલું બધુ સોનુ ચોંકાવનારી બાબત છે, કેમ કે જીવનસ્તરના અનેક માપદંડોમાં ભારત આ દેશો જેટલું સમૃદ્ધ નથી.
અમેરિકાની સેન્ટ્રલ બેન્ક પાસે 8133 ટન અને ચીનની બેન્કોમાં 2264 ટન સોનું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ ચીન અને ભારતમાં સોનાનો સૌથી વધુ વપરાશ થાય છે. વર્ષ 2023માં 910 ટન વપરાશ સાથે ચીન પ્રથમ અને 748 ટન સાથે ભારત બીજા નંબરે રહ્યું છે. આભૂષણ બાબતે ચીનમાં 630.2 ટન અને ભારતમાં 562.32 ટન, જ્યારે અમેરિકામાં 39 વપરાશ થયો છે.
મંદિરોમાં પણ 4 હજાર ટન સોનું
માત્ર ભારતીય ઘરોની જ વાત નથી, દેશના મંદિરોમાં લગભગ 4,000 ટન સોનું સંગ્રહાયેલું પડ્યું છે. ભારતના સૌથી ધનવાન મંદિર કેરળના પદ્મનાભ મંદિરના છ ભોંયરામાં કુલ 1,300 ટન સોનું મળી ચૂક્યું છે. અને હજુ તો સાતમું ભોંયરું ખુલવાનું બાકી છે. આ ખજાનાની સુરક્ષા ટીમમાં ઈસરો, સી-ડેક, જિયો-સાયન્સના ટોચના નિષ્ણાતો પણ સામેલ છે.
રિઝર્વ બેન્કના ભંડારમાં આ વર્ષે 55 ટનનો વધારો
રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઈ) પાસે કુલ 840.76 ટન સોનું છે. પોતાના ફોરેન કરન્સી હોલ્ડિંગ્સમાં વિવિધતા લાવવા અને બહારની અનિશ્ચિતતાઓથી બચવા રિઝર્વ બેન્ક સોનાનું હોલ્ડિંગ વધારી રહી છે. 2024માં અત્યાર સુધી આરબીઆઈએ પોતાના ભંડારમાં કુલ 55 ટન વધાર્યું છે જે વર્ષમાં સૌથી વધુ છે.
સૌથી મોટો સુવર્ણ ભંડાર ધરાવતા ટોપ-10 દેશ
અમેરિકન જિયોલોજિકલ સરવે અનુસાર અત્યાર સુધી દુનિયામાં 2.44 લાખ ટન સોનાનું ખનન કરાયું છે. આ રિપોર્ટ મુજબ ધરતીમાં હજુ લગભગ 54 હજાર ટન સોનું છે. દુનિયામાં કુલ 2.12 લાખ ટન સોનું છે. આમાંથી 96,487 ટન આભૂષણ સ્વરૂપે, 47,454 ટન બિસ્કિટ અને સિક્કા સ્વરૂપે તથા 36,699 ટન દુનિયાની સેન્ટ્રલ બેન્કો પાસે છે. 31,943 ટન સોનું અન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.