ભારતીય વિદ્યાર્થીએ ઓક્સફર્ડને નોટિસ ફટકારીઃ તમે બહુ બોરિંગ રીતે ભણાવ્યો છે

Monday 05th December 2016 09:57 EST
 
 

લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી ભલે વિશ્વના ટોચના શિક્ષણ સંસ્થાનોમાં સ્થાન ધરાવતી હોય, પરંતુ તેની અભ્યાસ કરાવવાની પદ્ધતિ બહુ કંટાળાજનક હોવાનું એક વિદ્યાર્થીનું માનવું છે. ભારતીય મૂળના વિદ્યાર્થી ફૈઝ સિદ્દિકે ઓક્સફર્ડ યુનિવર્સિટીને કાનૂની નોટિસ પાઠવીને આક્ષેપ કર્યો છે કે તમે બહુ બોરિંગ રીતે ભણાવો છો. સિદ્દિકી યુનિવર્સિટીની બ્રેસનસ કોલેજમાં કાયદા શાખાનો અભ્યાસ કર્યો હતો.

અહીં તેને ઈન્ડિયિન ઈમ્પિરિયલ હિસ્ટ્રી (રાજાશાહી કાળનો ભારતીય ઇતિહાસ) એ વિષય કંટાળાજનક રીતે ભણાવવામાં આવ્યો હતો અને આથી તેને માર્કસ ઓછા આવ્યા હોવાની તેણે દલીલ કરી છે. તેની આ દલીલ માન્ય રાખીને લંડનની હાઈ કોર્ટે હજાર વર્ષ જૂની ઓક્સફર્ડ યુનિવર્સિટીને કોર્ટમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે.

જોકે સિદ્દિકીનો કેસ આમ જોવામાં આવે તો ઘણો જૂનો છે કેમ કે તેણે ૧૯૯૯-૨૦૦૦ના વર્ષે આ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. હવે તે વકીલ બની ચૂક્યો છે, પરંતુ ભણતર વખતની ગરબડને કારણે વકીલાતની કરિયરમાં જોઈએ એટલો આગળ વધી શક્યો નથી. આ માટે તેણે યુનિવર્સિટીને જવાબદાર ઠેરવી છે.

સિદ્દિકીએ જણાવ્યુ હતું કે એ વખતે સાત પૈકીના ચાર શિક્ષકોએ ઘણી રજાઓ લીધી હતી. પરિણામે અમે વ્યવસ્થિત રીતે ભણી શક્યા ન હતા અને એટલે જ તેને ઓછા માર્કસ મળ્યાં છે.

ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીમાં ભણ્યા પછી સ્વાભાવિક રીતે ઉજ્જવળ કારકિર્દી બની શકે છે. જોકે સિદ્દિકીના કહેવા પ્રમાણે તેને ઓછા માર્ક આવ્યા એટલે વકીલ તરીકે જમાવટદાર પ્રેક્ટિસ કરવાનું તેનું સપનું સાકાર થઈ શક્યું નથી. આ માટે કોલેજની ભણતર પદ્ધતિ અને પ્રોફેસરોની રજાઓ જવાબદાર છે.

સિદ્દિકીએ આ કેસ માટે રોકેલા બેરિસ્ટરે રોજરે જણાવ્યું હતું કે ડેવિડ વોશબ્રૂક નામના શિક્ષકે વિદ્યાર્થીઓને બરાબર ભણાવ્યું નથી. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે વોશબ્રૂક સામે તેમને કોઈ અંગત વાંધો નથી.

સિદ્દિકીએ ભણી લીધા પછી વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. જોકે આ સમય દરમિયાન તે અનિંદ્રા અને ડિપ્રેશન જેવી બીમારીઓનો ભોગ બન્યો હતો. એ બધાને કારણે પોતાના કામમાં તે જોઈએ એટલું ધ્યાન આપી શકતો ન હતો. આથી તેની કરિયરની આગેકૂચ પણ ધીમી પડી હતી અને જોઈએ એટલા ક્લાયન્ટ પણ મળ્યાં ન હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter