લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી ભલે વિશ્વના ટોચના શિક્ષણ સંસ્થાનોમાં સ્થાન ધરાવતી હોય, પરંતુ તેની શિક્ષણ પદ્ધતિ કંટાળાજનક હોવાનું એક વિદ્યાર્થીનું માનવું છે. ભારતીય મૂળના વિદ્યાર્થી ફૈઝ સિદ્દિકીએ યુનિવર્સિટીને કાનૂની નોટિસ પાઠવીને આક્ષેપ કર્યો છે કે તમે બહુ બોરિંગ રીતે ભણાવો છો. સિદ્દિકીએ યુનિવર્સિટીની બ્રેસનસ કોલેજમાં કાયદા શાખામાં અભ્યાસ કર્યો છે.
અહીં તેને ઈન્ડિયિન ઈમ્પિરિયલ હિસ્ટ્રી વિષય કંટાળાજનક રીતે ભણાવાયો હતો અને આથી પોતાને ઓછા માર્કસ મળ્યાની દલીલ કરી છે. આ દલીલ માન્ય રાખીને લંડન હાઈ કોર્ટે હજાર વર્ષ જૂની ઓક્સફર્ડ યુનિવર્સિટી પાસે જવાબ માગ્યો છે.
સિદ્દિકીનો કેસ એક રીતે ઘણો જૂનો છે કેમ કે તેણે ૧૯૯૯-૨૦૦૦માં કોલેજમાં અભ્યાસ કર્યો હતો. હવે તે વકીલ બન્યો છે, પરંતુ ભણતર વખતની ગરબડને કારણે વકીલાતની કરિયરમાં જોઈએ એટલો આગળ વધી શક્યો નથી.
સિદ્દિકીનું કહેવું છે કે એ વખતે સાત પૈકીના ચાર શિક્ષકોએ ઘણી રજાઓ લીધી હતી. પરિણામે અમે વ્યવસ્થિત રીતે ભણી શક્યા ન હતા અને એટલે જ તેને ઓછા માર્કસ મળ્યાં છે.
ઓક્સફર્ડ જેવી યુનિવર્સિટીમાં ભણ્યા પછી સ્વાભાવિક રીતે ઉજ્જવળ કારકિર્દી બની શકે છે. જોકે સિદ્દિકીના કહેવા પ્રમાણે તેને ઓછા માર્ક આવ્યા એટલે વકીલ તરીકે જમાવટદાર પ્રેક્ટિસ કરવાનું સપનું સાકાર થઈ શક્યું નથી. આ માટે કોલેજની ભણતર પદ્ધતિ અને પ્રોફેસરોની રજાઓ જવાબદાર છે.
સિદ્દિકી વતી કેસ લડતા બેરિસ્ટર રોજરે જણાવ્યું હતું કે ડેવિડ વોશબ્રૂક નામના શિક્ષકે વિદ્યાર્થીઓને બરાબર ભણાવ્યું નથી. સિદ્દિકીએ ભણી લીધા પછી વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. જોકે આ સમય દરમિયાન તે અનિંદ્રા અને ડિપ્રેશન જેવી બીમારીઓનો ભોગ બન્યો હતો. એ બધાને કારણે પોતાના કામમાં તે જોઈએ એટલું ધ્યાન આપી શકતો ન હતો. આથી તેની કરિયરની આગેકૂચ પણ ધીમી પડી હતી અને જોઈએ એટલા ક્લાયન્ટ પણ મળ્યાં ન હતા.