બેંગ્લૂરુઃ આ રિપોર્ટ આગળ વાંચતા પહેલાં સૌપ્રથમ તો આ સાથેની તસવીર પર નજર ફેરવી લો. તસવીરમાં જોવા મળતો આ કૂતરો કરોડપતિ છે. તમને વાત ભલે માન્યામાં ના આવે, પણ વીતેલા સપ્તાહે આ ડોગીભાઇનો 50 કરોડ રૂપિયા (44 લાખ પાઉન્ડ)માં સોદો થયો છે. કોઈની પણ આંખો ફાટી જાય તેવો તેનો ભાવ છે.
ભારતના સેલિબ્રિટી ડોગ બ્રીડર એસ. સતીશે ‘કેડેબોમ્બ ઓકેમી’ નામની આ ડોગ બ્રીડ ખરીદી છે. આ ડોગ કોકેશિયન શેફર્ડની પ્રજાતિ અને વરુ વચ્ચેનું ક્રોસ બ્રીડ છે. કોકેશિયન શેફર્ડ રશિયાના કોકેસસ પ્રાંતની પ્રજાતિ છે. સોવિયત યુનિયન વેળા કોકેશિયન પ્રજાતિના આ ડોગનો ઉપયોગ ગાર્ડ તરીકે કરવામાં આવતો હતો. જ્યારે ઓકેમી વિશ્વમાં ભાગ્યે જ જોવા મળતી પ્રજાતિ છે. તેનો જન્મ યુએસમાં થયો હતો અને ગયા વર્ષે જ સતીશે આ બ્રીડ ખરીદી હતી.
ભારતના જાણીતા ડોગ બ્રીડર સતીશ 150થી વધુ ડોગની પ્રજાતિના ઓનર છે. પોતાની નવી ખરીદી અંગે સતીશે જણાવ્યું હતું કે આ ભાગ્યે જ જોવા મળતી પ્રજાતિ છે અને તે વરુ સાથે મળતી આવે છે. વિશ્વમાં આ પહેલા ક્યાંય પણ આ બ્રીડ વેચાઈ નથી. આ ડોગની પ્રજાતિ અમેરિકામાં ઉછેરાઈ હતી અને તે અસાધારણ છે. મેં તેનું પપી ખરીદવા પાછળ જ 50 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ સતીશે ચો-ચો નામની ભાગ્યે જ જોવા મળતી પ્રજાતિના ડોગની 25 લાખ પાઉન્ડમાં ખરીદી કરી હતી.
સતીશ પાસે ભાગ્યે જ જોવા મળતી પ્રજાતિના કૂતરા હોવાથી તેણે તેની સલામતીની પણ ચુસ્ત વ્યવસ્થા કરી છે. દસ ફૂટની લોખંડી દીવાલની બાઉન્ડ્રી ઉપરાંત તેને સતત સીસીટીવીની નિગરાની હેઠળ રાખવામાં આવે છે.
સતીશે 1990માં ડોગ બ્રીડિંગનું કામ શરૂ કર્યું હતું અને પછી તેમણે આ ક્ષેત્રે એવી મહારત હાંસલ કરી છે કે સમયના વહેવા સાથે પોતાની કંપની શરૂ કરી છે. જે આજે ઈમ્પોર્ટેડ ડોગ્સને બ્રીડ કરે છે તથા ડોગ શોનું આયોજન કરે છે.