અમૃતસરઃ પાકિસ્તાનથી માંડ થોડા જ અંતરે ભારત- પાકિસ્તાનની અટારી સરહદે રવિવારે ભારતનો ૩૬૦ ફૂટ ઊંચો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ ફ્લેગને દેશનો સૌથી ઊંચો ફ્લેગ કહેવાય છે.
પંજાબના પ્રધાન અનિલ જોશીએ આ સૌથી ઊંચા ફ્લેગ માસ્ટ પર દેશનો સૌથી ઊંચો ત્રિરંગો લહેરાવ્યો હતો. આ ત્રિરંગાના નિર્માણ પાછળ રૂ. ૩.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ યોજના પંજાબ સરકારની અમૃતસર સુધારન્યાસ પ્રાધિકરણની પરિયોજના હતી.
આ ત્રિરંગો લહેરાવવા સાથે પાકિસ્તાને ભારતના સૌથી ઊંચા ત્રિરંગા અંગે દેખાડેલો વિરોધને બીએસએફે નકારી કાઢયો હતો. પાકિસ્તાને અટારી સરહદ નજીક લહેરાવાયેલા ૩૬૦ ફિટ ઊંચા ત્રિરંગા સામે વિરોધ કર્યો હતો. જવાબમાં બીએસએફનું કહેવું છે કે ત્રિરંગો અંકુશ રેખાથી ૨૦૦ મીટર દૂર છે.
યાદ રહે કે ૫૫ ટનના સ્થંભ પર લહેરાવાયેલો આ ત્રિરંગો ૩૬૦ ફૂટ ઊંચો છે. ૧૨૦ ફૂટ પહોળો અને ૮૦ ફૂટ લાંબા એવો આ ધ્વજનું વજન ૧૦૦ કિલો છે. હવે એ ત્રિરંગો લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામશે.
મીડિયા રિપોર્ટસ મુજબ તો અટારી પર લહેરાવાયેલા આ ત્રિરંગાથી પાકિસ્તાન ડરી ગયું છે. તેનું કહેવું છે કે ભારત આ ધ્વજનો ઉપયોગ કરીને જાસૂસી કરી શકે છે. આ ત્રિરંગો પાકિસ્તાનના લાહોરથી પણ જોઇ શકાશે. અટારી સરહદથી લાહોર લગભગ ૨૧ કિલોમીટર દૂર છે.