જમુઈઃ બિહારના જમુઈ જિલ્લામાં બનેલી લગ્નની એક અનોખી ઘટના આખા રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બની છે. ગામલોકોએ એક યુવાનના એક જ મહિનામાં બે વખત લગ્ન કરાવી નાંખ્યા છે. જોકે આવું કેમ બન્યું તેનું કારણ બહુ રસપ્રદ છે. બન્ને ઘટના દરમિયાન એવું બન્યું હતું કે યુવાન પોતાની પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. બંને વાર તે પકડાઈ ગયો અને બન્ને વાર ગામલોકોએ તેના લગ્ન કરાવી નાંખ્યા. જમુઈ જિલ્લાના મલયપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો છે. જ્યાં ફક્ત 19 વર્ષની ઉંમરમાં એક યુવક બે-બે પત્નીનો પતિ બની ગયો. એટલું જ નહીં, તે આ 20 દિવસમાં એક બાળકનો પિતા પણ બની ગયો છે.
વાત એમ છે કે જિલ્લાના અક્ષરા ગામના રહેવાસી પ્રદીપ તાંતીના 19 વર્ષીય પુત્ર વિનોદ કુમારને પાસેના નવકાડીહ ગામની રહેવાસી પ્રીતિ કુમાર સાથે ફેસબુક પર પ્રેમ થઈ ગયો. પ્રીતિ પહેલાથી પરણેલી હતી અને એક બાળકની મા હતી. જોકે આ પ્રેમીપંખીડાઓએ આવી કોઇ વાતોની ચિંતા કર્યા વિના એક દિવસ મળવાનો પ્લાન કર્યો અને 22 એપ્રિલે વિનોદ પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે પહોંચી ગયો. જોકે વિનોદ પ્રેમિકાને મળવા પહોંચ્યો ત્યારે ગામલોકોની નજરે ચઢી ગયો હતો. ગામલોકો બન્નેને પકડીને મંદિરમાં લઈ ગયા અને તેમના લગ્ન કરાવી નાંખ્યા. વિનોદ પણ પ્રીતિને તેના સંતાન સાથે લઈને પોતાના ઘરે આવી ગયો અને પતિ-પત્ની માફક રહેવા લાગ્યા. ગામલોકોએ માન્યું કે ચાલો, એક વાત પતી. પણ ખરેખર એવું નહોતું.
વિનોદના પ્રીતિ સાથે લગ્ન તો થઈ ગયા, પણ આ જ સમયે વિનોદનું અફેર એક અન્ય છોકરી સાથે પણ ચાલતું હતું. વિનોદ ગામમાં નાના-મોટા પ્રસંગે ડીજે વગાડવાનું કામ કરતો હતો. આ સમયે તે ગિરિજા કુમારી નામની છોકરીને ગમતું ગીત ડીજે પર હંમેશા વગાડતો. આ વાતથી આકર્ષાઈને ગિરજાએ વાત કરવાનું શરૂ કર્યું હતું. વાતચીત આગળ વધી હતી અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. વિનોદના લગ્ન તો થઇ ગયા હતા, પણ ગિરિજા સાથે સંપર્ક રાખ્યો હતો.
હજુ તો લગ્નને મહિનો પણ નહોતો થયો ત્યાં વિનોદ તેની પહેલી પત્ની અને પરિવારથી છુપાઈને પોતાની પ્રેમિકા ગિરિજાને મળવા તેના ઘરે પહોંચ્યો. જોકે આ વખતે પણ વિનોદ ગામલોકોના હાથે ઝડપાઇ ગયો. ગામલોકોને વિનોદના આ કૃત્યથી આઘાત તો લાગ્યો, પણ બધા ભેગા મળીને તેને મંદિરમાં લઈ ગયા ને તેના બીજા લગ્ન કરાવી નાંખ્યા. આમ 20 દિવસમાં એક યુવકના બે વાર લગ્ન થઈ ગયા.
જોકે, આ ઘટનાથી નારાજ પહેલી પત્ની પ્રીતિએ પોલીસનો સંપર્ક કરીને વિનોદના બીજા લગ્નની જાણ કરી છે. તો વળી બીજી પત્ની ગિરિજાનું કહેવું છે કે, તેને વિનોદ અને તેની પહેલી પત્ની સાથે રહેવામાં કોઈ વાંધો નથી અને તે એક જ પરિવારમાં રહી શકે છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે, હજુ સુધી લેખિતમાં કોઈ પક્ષની ફરિયાદ મળી નથી. જો અરજી મળશે તો પોલીસ જરૂર કાર્યવાહી કરશે.