ગોદાવરીઃ ભારત પરંપરાઓ અને રીતિરિવાજોનો દેશ છે. વિવિધતામાં એકતા અને સંસ્કારો અહીંની આગવી ઓળખ છે. દેશના ખૂણે ખૂણે અલગ અલગ રિવાજ મનાવવામાં આવે છે. આવા જ એક રિવાજ - પરંપરાના ભાગરૂપે ભાવિ જમાઇને ભોજન માટે સાસરે તેડાવવામાં આવ્યા હતા. અહીં સુધી તો ઠીક હતું, પરંતુ સાસરિયાઓએ ભાવિ જમાઇને ભોજનમાં ૩૬૫ પ્રકારના વ્યંજનનું શાહી ભોજન પીરસીને ઇતિહાસ રચ્યો છે. આ વાત આંધ્ર પ્રદેશનાં પશ્ચિમ ગોદાવરી જિલ્લાના નરસાપુરમની છે.
નરસાપુરમમાં રહેતા ઝવેરી અત્યમ્ વેન્કટેશ્વર રાવ અને તેમના પત્ની માધવીની દીકરી કુંદવીની સગાઇવિધિ તુમ્મલપલ્લી સુબ્રમણ્યમ્ અને અન્નપૂર્ણાના પુત્ર સાંઇકૃષ્ણ થઇ છે. કુંદવી અને સાંઇકૃષ્ણ નજીકના દિવસોમાં લગ્નબંધને બંધાવાના છે. આથી કન્યાના દાદા-દાદી અચંતા ગોવિંદ અને નાગમણીએ મકરસંક્રાતિ પર્વે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં ભાવિ જમાઇ સાંઇકૃષ્ણ અને તેના પરિવારજનોને આમંત્ર્યા હતા. પરિવારના એક સભ્યના જણાવ્યા પ્રમાણે, રાવ પરિવારે પોતાના થનારા જમાઈ પ્રત્યે પ્રેમ બતાવવા માટે વર્ષના ૩૬૫ દિવસને ધ્યાને રાખીને ૩૬૫ પ્રકારના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અખબારોમાં ચમકી ગયેલા આ ભવ્ય પ્રિ-વેડીંગ સેલિબ્રેશનમાં વર અને કન્યા પક્ષના પરિવારજનો પણ હરખભેર જોડાયા હતા. બંને પક્ષોએ આ સેલિબ્રેશનને ખાનપાન અને હંસીમજાક સાથે યાદગાર બનાવી દીધું હતું.