મૈસુરઃ ૮૫ વર્ષનાં એમ. વી. સીતાલક્ષ્મી વર્ષો સુધી લોકોના ઘરકામ કરીને જીવનનિર્વાહ ચલાવતાં હતાં. વૃદ્ધાવસ્થાના કારણે ઘરકામ કરવા અસમર્થ બન્યાં તો કર્ણાટકના મૈસૂર નજીક વાન્તિકોપ્પાલમાં પ્રસન્ના અંજનેયા સ્વામી મંદિરની બહાર બેસીને ભીખ માંગવા લાગ્યા.
મંદિર સાથે તેમને ખૂબ લગાવ થઇ ગયો. આ દરમિયાન સ્થાનિક લોકો પણ તેમના ભોજન સહિતની જરૂરતોનું ધ્યાન રાખવા લાગ્યા હતા. થોડાક મહિના પૂર્વે ગણેશોત્સવ વેળા તેમણે મંદિરને ૩૦ હજાર રૂપિયાનું દાન કર્યું હતું. અને હવે બે લાખ રૂપિયા મંદિરને દાન આપ્યાં છે. તાજેતરમાં તેઓ મંદિર ટ્રસ્ટના ચેરમેન સાથે બેંકમાં ગયા અને પોતાના બેંક એકાઉન્ટમાંથી બે લાખ રૂપિયા ઉપાડીને દાનમાં આપી દીધાં. સીતાલક્ષ્મી અત્યાર સુધીમાં મંદિરને અઢી લાખ રૂપિયાનું દાન કરી ચૂક્યા છે.
તેમની ઇચ્છા છે કે દાનમાં આપેલી આ રકમ મંદિરમાં દર્શનાર્થીઓને મળતી સુવિધાઓ વધુ સારી બનાવવા અને દર વર્ષે હનુમાન જયંતી પર આવતા દર્શનાર્થીઓને પ્રસાદ વહેંચવા માટે ખર્ચ કરવામાં આવે. સીતાલક્ષ્મીએ મંદિર માટે બે લાખ રૂપિયાનું દાન કર્યું હોવાના સમાચાર વાયુવેગે ફેલાતાં તેઓ ખૂબ લોકપ્રિય પણ થઇ ગયા છે.
મંદિર ટ્રસ્ટના સંચાલકોનું કહેવું છે કે સીતાલક્ષ્મી ભીખ માટે ક્યારેય મંદિરે આવતા દર્શનાર્થીઓની પાછળ નહોતા પડી જતા. અને હવે તો એકદમ શાંત રહે છે અને લોકો જેટલા પૈસા આપે તેટલા લઇ લે છે. તેમણે મંદિરને આપેલા દાન બદલ સ્થાનિક ધારાસભ્યે તેમનું સન્માન કર્યા પછી દર્શનાર્થીઓ તેમને ઓળખવા લાગ્યા છે. તેઓ હવે સીતાલક્ષ્મીને ભીખમાં વધુ રકમ આપે છે અને તેમના આશીર્વાદ પણ લે છે.
સીતાલક્ષ્મીનું કહેવું છે કે તેની મરણમૂડી તેની પાસે જ રહી હોત તો તે કોઇના કામમાં આવી ન હોત અથવા તો ચોરી થઇ ગઇ હોત. આથી તેમણે જનહિતાર્થે રકમ મંદિરને દાનમાં આપી દીધી છે.