મણિપુરનું ‘ઇમા કેઇથલ’ છે એશિયાનું સૌથી મોટું મહિલા બજાર

Friday 20th May 2016 05:19 EDT
 
 

ઇમ્ફાલઃ ભારતના પૂર્વોતર રાજય મણિપુરના ઇમ્ફાલ શહેરમાં ૨૦૦ વર્ષથી ચાલતા બજારમાં માત્ર મહિલાઓનું જ રાજ ચાલે છે. સ્થાનિક ભાષામાં આ બજાર 'ઇમા કેઇથલ' તરીકે ઓળખાય છે જેનો અર્થ માતાનું માર્કેટ એવો થાય છે. મહિલાઓ દ્વારા સંચાલિત એશિયાનું સૌથી મોટું માર્કેટ છે. જેમાં દરરોજ ૪ હજાર મહિલાઓ આવીને શાકભાજી, હેન્ડલૂમ કપડા, ફર્નિચર સહિતની તમામ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ વેચે છે. આ અનોખા માર્કેટમાં પુરુષોને કોઇ સ્થાન ન હોવા ઉપરાંત માત્ર પરણીત મહિલા જ અહીં વેપારી બની શકે છે. માતા પોતાની દીકરીને વારસામાં વેપારનો વારસો આપતી જાય છે. આ પરંપરા આગળ વધવાથી છેલ્લા ૨૦૦ કરતાં પણ વધુ વર્ષોથી મહિલાઓનું માર્કેટ ધમધમી રહ્યું છે.
પૂર્વોત્તર ભારતની મહેનતુ મહિલાઓ સદીઓથી પરિવારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. આથી આ માર્કેટ પણ મહિલા સશક્તિકરણનું કેન્દ્ર બન્યું છે. ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પોતાના ખેતરમાં શાકભાજી ઉગાડીને આ માર્કેટમાં વેચવા આવે છે. અહીં દરરોજ ૨૦૦થી માંડીને ૧૦૦૦ રૂપિયા સુધીનો નફો રળતી મહિલાઓ સ્ત્રી આર્થિક સ્વાવલંબનનું સૌથી મોટું ઉદાહરણ છે. આથી જ તો માત્ર મહિલાઓ વડે જ ચાલતું હોય તેવું એશિયાનું સૌથી મોટું માર્કેટ બન્યું છે.
દુનિયામાં કયાંય જોવા ના મળતું મહિલા માર્કેટ ૧૭મી સદીમાં પણ અસ્તિત્વ ધરાવતું હોવાના પુરાવા મળે છે. સ્થાનિક લોકોની માન્યતા મુજબ મણિપુરમાં સોળમી સદીમાં થઇ ગયેલા એક રાજાએ બધા જ પુરુષોને પોતાની સેવામાં રોકી રાખ્યા હતા. તેમજ રાજ્યની સેવા બદલ કોઇ વેતન પણ આપવામાં આવતુ ન હતું. આથી ઘરના બાળકો તથા વૃદ્ધોની આજીવિકાની કામગીરી મહિલાઓ પર આવી પડેલી તેમાંથી આ મહિલા માર્કેટનો ઉદ્ભવ થયો હતો.
એક અન્ય માન્યતા મુજબ પુરુષો નાનીમોટી લડાઇઓ તથા યુદ્ધોમાં વ્યસ્ત રહેતા હતા ત્યારે ઘરના લોકોના નિભાવનો બોજ મહિલાઓ ઉઠાવતી હતી. આ માર્કેટના ઐતિહાસિક મહત્ત્વને જોતાં પ્રવાસીઓ પણ અચૂક મુલાકાત લે છે. થોડાક વર્ષો પહેલા ભૂકંપમાં આ માર્કેટને નુકસાન થતા બાજુમાં જ નવું માર્કેટ તૈયાર કરવામાં આવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter